કચ્છ: કચ્છના ખાવડા નેશનલ હાઈવે પર ઓવરલોડ વાહનો અને દારૂ પીને ડ્રાઈવિંગ કરવાના કિસ્સાઓના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 1 વર્ષમાં જ બન્ની પચ્છમ વિસ્તારમાંથી 15 જેટલાં યુવાનો અને 250થી વધુ ભેંસો ટ્રેઇલરની અડફેટે આવતા મોતને ભેટી છે, જેનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે અને અવારનવાર આવા બનાવો બને છે. છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામા આવતું નથી. જે બાબતે આજે બન્ની પચ્છમ અધિકાર મંચ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ખાવડા નેશનલ હાઇવે પર અવારનવાર ભારે વાહનો સર્જે છે અકસ્માત
ખાવડા નેશનલ હાઇવે પર હાજીપીર, ધોરડો અને ખાવડામાં કાર્યરત મીઠાની કંપનીઓ અને કચ્છના રણ સોલાર પાર્કના કામમાં ચાલતા મોટા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અને તંત્રની મીઠી નઝર હોવાથી ટ્રેઇલરની અડફેટે આવીને સ્થાનિક લોકોના મુત્યુના બનાવમાં અતિ ગંભીર ઉછાળો આવ્યો છે. તાજેતરમાં એક જ અઠવાડીયામાં મોટા બાધા અને પારેટી ગામના બે યુવાનના ટ્રેઈલરની હડફેટ મોત થયા હતા. એકાદ વર્ષ પહેલાં ખાવડામા એક ટ્રેઈલરે એક સાથે ત્રણ યુવાનોના જીવ લઈ લીધાં હતા.
15 જેટલાં યુવાનો અને 250થી વધુ ભેંસોના ટ્રેઇલરોની અડફેટે મોત
જ્યારથી હાઈવે પર મીઠાનું પરીવહન ચાલુ થયું છે ત્યાર બાદ લગભગ છેલ્લા ત્રણ વર્ષની અંદર 15 જેટલા યુવાનો ટ્રેઇલર નીચે કચડાઈને અવસાન પામ્યા છે. સમગ્ર બન્ની પચ્છમના ગામોમાં ટ્રેઇલર ખાવડા નેશનલ હાઇવે પર દોડતા વાહનો જોતા જ ભયભીત લાગણી ઉત્પન્ન થઇ રહી છે. વિકાસના અભરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઇવે મુંગા પશુઓ અને સ્થાનિક માનવોનું મોતનો માર્ગ બની રહ્યો છે.
ભેંસના મૃત્યુ બાદ માલધારીઓને યોગ્ય વળતર આપવાની માંગ
બન્ની પચ્છમ અધિકાર મંચે રજૂઆત કરી હતી કે, હવેથી જો આ રોડ પર કોઈ ટ્રેઇલર દ્વારા જાનહાનિ થાય તો યોગ્ય તપાસ કરીને ટ્રેઇલર ચાલક ટ્રાન્સપોર્ટ કંપની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સ્વદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે. દરરોજ ખાવડા નેશનલ હાઇવે પરના ભેંસોના મોત ટ્રેઇલરો ચાલકોના પાપે થઇ રહ્યા છે તો પશુપાલક વિભાગ દ્વારા તેની તપાસ કરી માલધારીઓને વળતર આપવાની જોગવાઈ કરવામાં આવે અને વળતર પ્રતિક્રિયા ઝડપી થાય તેવા પગલાં લેવામાં આવે.
પરપ્રાંતીય ડ્રાઇવરો દારૂ પીને બેફામ ટેઈલર ચલાવે છે
સ્થાનિકોનો આરોપ છે કે, આ બન્ની વિસ્તારમાંથી પસાર થતા ઓવરલોડ વાહનો પ્રતિબંધ LED લાઇટો લગાવી જાનહાની સજર્તા હોવા છતાં આ રોડ પર RTO તંત્રએ ક્યારે ચેકીંગ કર્યું નથી. તો RTO તંત્રની મેહરબાનીથી ટ્રાન્સપોટરો અને ચાલકોમાં કાયદાનો કોઇ જ ભય રહતો નથી તેવી રીતે બેફામ ભારે વાહનો દોડતા હોય છે. ભિરાંડીયારા ચેક પોસ્ટ પર પોલીસ તંત્રના ચુનંદા અને બાહોશ કર્મચારીઓને તૈનાત કરવામાં આવે જેથી ઓવરલોડ વાહનો, દારૂ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
LED લાઈટ વાહનો પર કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવે
આ વિસ્તારમાં ખાવડા પોલીસ દ્વારા અઠવાડિયામાં એક વાર ટ્રેઇલરનું ચેકીંગ કરવામાં આવે અને LED લાઈટ વાહનોમાં લાગેલી હોય તો તેના પર કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને અમુક કંપનીઓનું રણ વિસ્તારમાં કામ ચાલુ છે અથવા ખાવડાની આજુબાજુમાં જે પરપ્રાંતીય લોકો આવેલા છે ત્યાં દારૂનો ધંધો થઈ રહ્યો છે, ત્યાં ચેકીંગ કરીને તે સંપૂર્ણ રીતે બંધ થાય તે કાર્યવાહી તંત્ર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભુજથી જે વાહનો રેતી લઈને પરિવહન કરે છે તેવા અમુક લોકો રોયલ્ટી હોતી નથી તેની બીકમાં ગાડીઓ ફૂલ દોડાવે છે જેથી તેમની રોયલ્ટીની તપાસ કરવામાં આવે અને ખાવડાની બાજુમાં જે સ્કૂલ આવેલી છે તેની માટે ખાસ ટ્રાફીક પોલીસ દ્વારા ધ્યાન આપવામાં આવે.
બન્ની વિસ્તારના લોકોના આ મુદ્દાઓને ગંભીરતાથી લઇ વહીવટી તંત્ર દ્વારા પગલા લઈ ટ્રેઇલરો દ્વારા થતા નુકસાનને રોકવામાં આવે અન્યથા સમગ્ર બન્ની પચ્છમ વિસ્તારની પ્રજાને સાથે રાખીને ખાવડા નેશનલ હાઇવે પર ચક્કાજામ ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે કચ્છ ક્લેક્ટર દ્વારા 8 દિવસની અંદર આરટીઓ અને પોલીસ દ્વારા કામગરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: