કચ્છ: છેલ્લા 1 દાયકામાં કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા વિવિધ યોજનાઓ હેઠળ પાકા રસ્તાઓનું નિર્માણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તો ભારે વાહનોની સતત અવરજવર તેમજ રોડની ગુણવત્તાને લઈને અનેક વખત સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે હાલમાં હાજીપીર વિસ્તારનો 32 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે 15થી 16 ગામના લોકોએ આજે હાજીપીર જતા માર્ગ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ભારે વાહનોને પસાર થતા રોક્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી હતી.
32 કિલોમીટરના રોડ અંગે રસ્તા રોકીને રજૂઆત: હાજીપીર અને આસપાસના વિવિધ ગામોના સ્થાનિક લોકોએ આજે રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆતના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અગ્રણી યાકુબ મુત્વાના જણાવ્યા મુજબ 500 જેટલા સ્થાનિક લોકોએ દેશલપર ગુંતલી ફાટકથી 16 કિલોમીટર સુધી રોડનું કામ તેમજ હાજીપીર સુધીનું અન્ય 16 કિલોમીટરનો રસ્તો કે જેનું કામ 12 માસ પૂર્વે જે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. આ રોડ અત્યારે સંપૂર્ણ પણે તૂટી ગયો છે. જેનું રીપેરીંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
રોડનું અંતર કાપતાં 2થી 3 કલાક જેટલો સમય: આ ઉપરાંત ઢોરોથી હાજીપીર સુધીનો અન્ય 16 કિ.મી.ના રસ્તાનું મેટલ કામ કરી અને ત્યાર બાદનું કામ એજન્સી દ્વારા અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે. જેનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે. આ રાજમાર્ગ સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી છે. કારણ કે આ વિસ્તારમાં પ્રખ્યાત હાજીપીર યાત્રાધામ પણ આવેલું છે.
ઉપરાંત લાંબા ગાળા સુધી આ રોડ ટકી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તે જરૂરી છે. આ 32 કિલોમીટરના રોડનું અંતર કાપતાં 2થી 3 કલાક જેટલો સમય લાગે છે. તો મેડિકલ સુવિધાઓ સુધી પહોંચવામાં પણ વિલંબ થાય છે. રસ્તામાં જ કેટલાક દર્દીઓને સારવાર મળે તે પહેલા મોતને ભેટે છે અને ડિલિવરી સમયે મહિલાઓ પણ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી આપે છે.
આ રોડ પર ભારે વાહનો પસાર થતા રોડને નુકસાની: આ ઉપરાંત આ રોડ ઉપર નમકની પરિવહન કરતી ઓવરલોડ ટેઈલર પસાર થાય છે. જેના કારણે ઘણો બધો ટ્રાફિક થાય છે. આ માર્ગ ભારત પાકિસ્તાન સરહદને જોડતો બોર્ડર માર્ગ છે. પરંતું ચિંતાજનક વાત એ છે કે હાલ આ માર્ગ ઉપર ગાડી ચલાવી શકાય તેમ નથી એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમજ વિવિધ કંપનીઓના ભારે વાહનો અને મીઠાની ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે ત્યારે પણ આ રોડને નુકસાની પહોંચતી હોય છે.
આગામી સમયમાં કચ્છના પ્રવેશ દ્વાર પર આંદોલન થશે: આ ઉપરાંત જો આગામી સમયમાં રોડનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તેમજ નવા રસ્તાની દરખાસ્ત કરવામાં નહીં આવે તો કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખયારી રોડ પર પણ મોટી માત્રામાં લોકો ભેગા થઈને રસ્તા રોકો આંદોલન કરશે. જેનો જવાબદાર વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ રહેશે.
125 કરોડના ખર્ચે 32 કિ.મી. રોડના નિર્માણની દરખાસ્ત: નખત્રાણા આર એન્ડ બી વિભાગના મદદનીશ એન્જિનિયરે રસ્તાની યોગ્ય કાર્યવાહી માટે આગેવાનોને ખાતરી આપી હતી. તેમજ સરકારમાં દેશલપરથી હાજીપીર સુધી 125 કરોડના ખર્ચે 32 કિ.મી. રોડના મરમંત અને નવા રસ્તા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજૂરી મળ્યાથી કામગીરી શરૂ કરવામાં આવશે. નવા 8 મીટર સીસી રોડ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: