જૂનાગઢ: પાછલા કેટલાક સમયથી ગીર વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીના હુમલાની ઘટના વધી રહી છે. જેને કારણે ખેડૂતો અને ગામ લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે પાછલા પાંચ વર્ષમાં સિંહ અને દીપડાની સંખ્યા વધવાની સાથે દીપડા અને સિંહોનું માનવ વસાહત તરફ આવી જવું પણ ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે.
ગીર વિસ્તારમાં પર પ્રાંતમાંથી આવેલા મજૂરો અને ખેત મજૂરી સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ સિંહ અને દીપડાના હુમલાનો શિકાર બની રહ્યા છે સામાન્ય રીતે સિંહ અને દીપડાની જન સંખ્યા ગીર વિસ્તારમાં વધી છે. જેને કારણે પણ આ જંગલી વન્ય પ્રાણીઓ જંગલ છોડીને બહાર નીકળી રહ્યા છે. જેની સામે જંગલની સાથે માનવ વસાહતોનું જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો સતત વધી રહેલા સિંહ અને દીપડાના હુમલાને ઘટાડવામાં તે મદદરૂપ બની શકે છે.
ગીર વિસ્તારમાં સિંહ અને દીપડાનું માનવ વસાહત તરફ આકર્ષણ: પાછલા પાંચેક વર્ષમાં જુનાગઢ, સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના કેટલા વિસ્તારોને સાંકળતા જંગલ અને રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દીપડા સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ ગીર અભયારણ્ય કે જંગલ વિસ્તારની બહાર સિંહ અને દીપડો દેખા દેતા હોય તેવી ઘટના ખૂબ ઓછી બનતી હતી, પરંતુ હવે સિંહ અને દીપડાની હાજરી જેટલી જંગલ કે અભયારણ્ય વિસ્તારમાં છે, બિલકુલ તેને સમકક્ષ આવા વન્ય પ્રાણીઓની હાજરી હવે માનવ વસાહતો અને ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહી છે. જેને કારણે ખેડૂતો અને ખેત મજૂરો પોતાનું જીવ હથેળી પર રાખીને ખેતી કરી રહ્યા છે.
દીપડાના હુમલાઓ ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યા: ગીર અભયારણ્ય અને તેની બહારના વિસ્તારમાં સિંહની સરખામણીએ દીપડાના હુમલાની સંખ્યા સતત વધી રહી છે. જેને કારણે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે. તો બીજી તરફ ખેત મજૂરી સાથે જોડાયેલી મહિલાઓ તેમના નાના બાળકોની ચિંતા કરીને ખેત મજૂરીએ જવાનું ટાળી રહી છે. જે ખેતરમાં મહિલા મજૂરો કામ કરી રહ્યા છે ત્યાં એટલી જ સંખ્યામાં અન્ય પુરુષ મજૂરો કોઈ હિંસક વન્ય પ્રાણીની આસપાસમાં હાજરી છે કે નહીં તેની સતત દેખરેખ રાખીને મહિલા મજૂરો અને બાળકોની સુરક્ષા પણ કરતા હોય છે.
વર્ષ 2020માં અધિકારીક વસ્તી ગણતરી થઈ: ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વર્ષ 2020 માં સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં 161 નર સિંહ, 260 માદા સિંહ, પુખ્ત વયના 45 નર અને 49 માદાની સાથે હજુ સુધી જેની ઓળખ થઈ નથી તેવા 22 સિંહના બચ્ચા જોવા મળ્યા હતા. વર્ષ 2020 માં થયેલી વસ્તી ગણતરી દરમિયાન કુલ 137 જેટલા બચ્ચા પણ ગણતરીમાં નોંધાયા હતા. આ તમામ મળીને કુલ 674 જેટલા થવા જાય છે.
વર્ષ 2015માં સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમાં 22,000 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. ત્યારે વર્ષ 2020 માં કરવામાં આવેલી વસ્તી ગણતરીમાં 30 હજાર સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. સિંહોની વસ્તી હાલ જૂનાગઢની સાથે સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરના, મહુવા વિસ્તાર અને પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોની વસ્તી જોવા મળી રહી છે. વર્ષ 1990 માં 284 જેટલા સિંહ જોવા મળતા હતા. જેમાં ક્રમશ વધારો નોંધાયો છે. તે મુજબ 1995 માં 305, વર્ષ 2001 માં 327, વર્ષ 2005 માં 359, વર્ષ 2010 માં 411, વર્ષ 2015માં 523, અને અંતિમ 2020 માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 674 જેટલા સિંહ ગણતરીમાં નોંધાયા હતા.
સિંહો દર 8 કે 10 વર્ષે નવું નિવાસ્થાન શોધતા હોય છે: સિંહો માનવીઓની વસાહતો વચ્ચે રહેવા માટે અનુકૂળતા ધરાવે છે. જેથી સમગ્ર વિશ્વમાં સિંહની હાજરી જોવા મળે છે. ત્યાં સતત માનવ વસાહતો પણ જોવા મળે છે, એટલા માટે સિંહને પારિવારિક પ્રાણી પણ કહેવામાં આવ્યું છે. પરંતુ જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહો દર 8 કે 10 વર્ષે તેમના નવા રહેણાંક માટે સ્થળાંતર પણ કરતા હોય છે.
થોડા વર્ષો પૂર્વે દલખાણીયાથી એક નર સિંહ છેક ચોટીલા ડુંગર સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ તે આપમેળે ફરી તેની દલખાણીયા રેન્જમાં પરત ફર્યો હતો. સિંહની આ વર્તણૂકને એકદમ સામાન્ય માનવામાં આવે છે. દર 8 કે 10 વર્ષે જંગલમાં યુવાન સિંહની સંખ્યા વધતા પ્રમાણમાં મોટી ઉંમરના સિંહો અથવા તો અન્ય સિંહ કે જે પોતાનું નવું રહેઠાણ શોધવા માટેની અનુકૂળતા ધરાવે છે. તે અન્ય સ્થળો તરફ સ્થળાંતર થઈને પોતાનું નવું નિવાસસ્થાન ઉભું કરે છે. જેને કારણે આજે ગીર વિસ્તાર છોડીને દીવના દરિયા સુધી સિંહો વિસ્તરતા જોવા મળી રહ્યા છે.
ગીર વિસ્તારમાં ગેર કાયદેસર લાયન શો મુખ્ય સમસ્યા: ગીર વિસ્તારમાં પાછલા પાંચેક વર્ષમાં પ્રવાસન ગતિવિધિને કારણે કેટલાક લેભાગું તત્વો દ્વારા ખાનગી રાહે લાયન શૉનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા કેટલાક કિસ્સાઓ વન વિભાગે પકડી પાડ્યા છે. પરંતુ જે રીતે સિંહો માનવ વસાહતો અને ખાસ કરીને જંગલ વિસ્તાર છોડીને અન્ય વિસ્તાર તરફ આવી રહ્યા છે. જેને કારણે તેઓ સીધી રીતે ગામ લોકો ખેડૂતો અને ખેત મજૂરો સાથે સીધી અથડામણમાં ઉતરે છે. જેમાં મોટે ભાગે જે તે વ્યક્તિને શારીરિક નુકસાન થતું હોય છે. તેની પાછળનું એકમાત્ર અને મુખ્ય કારણ ગેરકાયદેસર યોજવામાં આવતા લાયન શૉ કે અન્ય પ્રાણી શોને માનવામાં આવે છે. જો આ પ્રકારની ગતિવિધિ ગીર અને અન્ય વિસ્તારમાં બંધ થાય તો સિંહ કે દીપડાની સીધી માનવો સાથેની ભીડંત અટકાવી શકાય છે.
ગીર સાથે જોડાયેલા વન વિભાગના અધિકારીઓનો પ્રતિભાવ: હિંસક વન્ય પ્રાણી અને માનવોની સીધી ભીડંતને લઈને મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ આરાધના શાહુએ સમગ્ર મામલાને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે 'તેઓ આ પ્રકારના મામલામાં મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા માટે અધિકારીત નથી. રાજ્ય વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલામાં કંઈ પણ કહી શકે. તો બીજી તરફ પૂર્વ મુખ્ય વન સંરક્ષક ઉદય વોરાએ પ્રાણી અને માનવીઓ વચ્ચેની અથડામણ અટકાવવા માટેના તેમના કેટલાક કારણો આપ્યા છે. જે મુજબ જંગલને તાકીદે પાંખું કરવું જોઈએ. ગેરકાયદેસર સિંહોને અટકાવવા જોઈએ. આ સિવાય સિંહ અને દીપડાની સંખ્યા જંગલ અભયારણ્ય વિસ્તારની બહાર પણ વધી છે. જેને પણ એક કારણ માનવામાં આવે છે. દર વર્ષે ગૌચરની જમીન ઓછી થતી જાય છે. જેને કારણે હિંસક પ્રાણીઓ શિકાર માટે માનવ વસાહત તરફ આવી રહ્યા છે. બીજી તરફ લોકોમાં હવે ધીરજ ખૂટી ગઈ છે. જેને કારણે પણ તેઓ સીધી રીતે હિંસક પ્રાણીઓ સાથે અથડામણમાં ઉતરી જાય છે. જેની મોટી કિંમત તેમને ચૂકવવી પડે છે.'
બહારથી આવતા મજૂરો બને છે સૌથી વધુ ભોગ: ઉદય વોરા એ તેમના કાર્યકાળ દરમિયાન સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીના હુમલાની ઘટનામાં બહારના રાજ્યોમાંથી આવતા ખેત મજૂરોને સૌથી મોટું કારણ જણાવ્યું છે. અન્ય રાજ્યોમાંથી આવતા આવા લોકો સિંહ અને દીપડાની કોઈપણ વર્તણુક સાથે ટેવાયેલા નથી. વધુમાં તેઓ માંસાહાર પણ પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે અને તેનો કચરો પણ આસપાસમાં ફેકતા હોય છે. જેની તીવ્ર ગંધને કારણે રાત્રિના સમયે અને વહેલી સવારે સિંહ કે દીપડા જેવા શિકારી પ્રાણીઓ શિકારની શોધમાં આવી ચડે છે. જેનો ભોગ આવા મજૂરો બની રહ્યા છે. વધુમાં આ મજૂરો ખેતરમાં ખુલ્લામાં સૂવાનું પસંદ કરે છે. તેમજ જાહેરમાં અને ખુલ્લામાં સોચ ક્રિયા કરતા હોય છે. આ સમયે પણ સિંહ અને દીપડાના હુમલાની સંખ્યા અને તેના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જંગલની ગીચતા પણ સતત વધી રહી છે. જેને કારણે પણ સિંહ અને દીપડા જંગલ વિસ્તાર બહાર જોવા મળે છે.
પૂર્વ કલેકટર હસમુખ પટેલે પણ આપ્યા છે કેટલાક તારણો: સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં કલેકટર તરીકે સેવા આપી ચૂકેલા એચ.એસ.પટેલ પણ વન્યજીવ સૃષ્ટિ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. ભારત સરકારના વાઇલ્ડ લાઇફ અભયારણ્ય એક્ટ મુજબ આજે પણ જંગલમાં શિડ્યુલ એ બી સી અને અન્ય પ્રકારના પશુ અને પ્રાણીઓ જોવા મળે છે. જેમાં હરણ ઘુડખર સિંહ અને સ્લોથ બિયર માટે અભયારણ્યો ખૂબ જાણીતા છે. સિંહ અને દીપડાની સરખામણીએ દીપડાની સંખ્યા સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ એક સાથે રહી શકે છે. જેને કારણે તેની સંખ્યા સતત વધી રહી છે. દીપડો મુખ્યત્વે નાના તૃણાહારી પ્રાણીઓનો શિકાર બનાવે છે.
તો બીજી તરફ સિંહને આળસુ પ્રાણી માનવામાં આવે છે. જેથી તે સિંહણ દ્વારા કરેલા શિકાર પર નિર્ધારિત હોય .છે દીપડો જંગલ વિસ્તાર બહાર આવી રહ્યો છે. તેની પાછળના મોટા કારણોમાં તેમના શિકારના પ્રાણીની સંખ્યા જંગલમાં ઓછી જોવા મળે છે. સામાન્ય રીતે દીપડો ગાય, ભેંસ, નીલગાય કે મોટા તૃણાહારી પ્રાણીઓનો શિકાર ક્યારેય નથી કરતા. તે કુતરા. હરણ. શિયાળ જેવા નાના પ્રાણીઓને શિકાર તરીકે પસંદ કરે છે. જેની સંખ્યા ઘટતા દિપડાઓ જંગલની બહાર નીકળી જાય છે. સામાન્ય રીતે હિંસક પ્રાણીઓ કોઈ માનવ વસાહત પર હુમલો કરવા માટે જંગલની બહાર નીકળતા નથી. ખોરાકની શોધમાં બહાર નીકળેલા સિંહ કે દીપડા આ પ્રકારે માનવો પર હુમલા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: