કચ્છ : કચ્છ લોકસભાના કોંગ્રેસપક્ષના ઉમેદવાર નિતેશ લાલનની પસંદગી કરાતા તેમનું અભિવાદન અને સ્વાગત આવકાર કાર્યક્રમ ભુજના કચ્છ કોંગ્રેસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસનાં અગ્રણીઓ, કાર્યકર્તાઓ સહિતના લોકોએ ઉમેદવાર તરીકે જાહેર થયેલા નિતેશભાઈનું સન્માન કર્યું હતું. લોકસભા ચુંટણીને લઇને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનના નામની જાહેરાત કરવામાં આવી છે.
યુથ કોગ્રેસના પ્રમુખ રહ્યાં છે લાલન : કોંગ્રેસ દ્વારા પૂર્વ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યો છે. કોંગ્રેસે કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનને ટિકિટ આપી છે. કચ્છનાં પ્રશ્નોને લઈને તેમણે મીડીયા સામે વાત કરી હતી તો શિક્ષણ, આરોગ્ય અને નર્મદાનાં પાણીની સમસ્યા અંગેનાં નિવારણ માટે પ્રયત્ન કરશે તો બેરોજગારી સહિતના પ્રશ્નો અંગે પણ વાત કરી હતી.તો કચ્છની જનતા આ વખતે પરિવર્તન લાવશે અને કોંગ્રેસને વિજેતા બનાવશે તેવું જણાવ્યું હતું.
ભાજપનો ગઢ રહી છે બેઠક : ઉલ્લેખનીય છે કે ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર જેટલું છે અને હાલમાં જિલ્લાની વસ્તી 26,11,305 જેટલી છે. તો વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીમાં જિલ્લામાંથી 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે. પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચુંટાયા હતાં.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબજામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે.