કચ્છ : ચૂંટણીપંચ દ્વારા દેશના દરેક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે એ માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો લોકો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃતિના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. તો આ વખતે ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ 85 વર્ષથી વધુના વડીલો, 40 ટકાથી વધુની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગો અને આવશ્યક સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની તક આપવામાં આવશે.
85 વર્ષથી વધુના 14427 મતદારો : કચ્છ મોરબી લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 14427 મતદારો છે તો જે 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેવા 13100 જેટલા મતદારો છે જેમના માટે 6 PWD પોલિંગ સ્ટેશન છે. તો જિલ્લામાં કુલ 27,527 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. કચ્છમાં પોલિંગ સ્ટાફ, બંદોબસ્તમાં રોકાયેલ પોલીસ સહિતનો સ્ટાફ તેમજ એસઆરપી જવાનોના લગભગ 8000 જેટલા કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપવાના છે તો આ પૈકી કેટલાક મતદારો એવા પણ છે જેમણે પોતાના ઘેર બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો છે.
40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 415 જેટલા મતદારો ઘરબેઠા કરશે મતદાન : કચ્છના ચૂંટણી વિભાગના કર્મચારી અંકિત ઠકકર પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણીપંચે આ વખતે 80ના બદલે 85 વર્ષથી વધુના વડીલોને ઘેરબેઠા પોસ્ટલ બેલેટથી મતદાન આપવાની તક આપી છે. જેમાં કચ્છ લોકસભા બેઠકમાં 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારો મળીને કુલ 1913 જેટલા મતદારે ઘેરબેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો છે. જે પૈકી 1296 જેટલા મતદારો 85 વર્ષથી ઉંમરના છે. જે પૈકી 572 જેટલા મતદારો અબડાસા વિધાનસભા વિસ્તારના છે. 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 415 જેટલા મતદારે ઘરબેઠા મતદાન આપવાનું વિકલ્પ પસંદ કર્યો છે. આ ઉપરાંત મતદાનના દિવસે આવશ્યક સેવામાં ફરજ બજાવતા 202 જેટલા કર્મચારીએ પણ પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.