કચ્છ : લોકસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષો અને ઉમેદવારો ઠેર ઠેર ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે.જે માં આજે ભુજ તાલુકાના વિવિધ ગામોમાં તેઓ પ્રચાર પ્રસાર કર્યો હતો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ પણ કરી હતી.
ભુજ તાલુકાના પ્રવાસે ભાજપના ઉમેદવાર : ભુજ તાલુકાના લાખોંદ, પદ્ધર, મમુઆરા, ધાણેટી, શ્રવણ કાવડિયા, ડગારા, લોડાઈ,કુનરીયા, ઢોરી, સુમરાસર, ધાણેટી,લોરીયા, ઝુરા ગામોમાં આજે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રચાર પ્રસાર માટે આજે પ્રવાસ કરી રહ્યા છે. પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ તેમજ વિકાસના કાર્યો અંગે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
વધુમાં વધુ મતદાન કરવા અંગે અપીલ : પ્રચાર પ્રસાર દરમિયાન ગ્રામજનો સાથે નાની નાની બેઠકો અને સભાઓ પણ યોજવામાં આવી રહી છે જેમાં ગામમાં ખૂટતી કડીઓ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવી રહ્યો છે તો રામ મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર શૌચાલય, મુદ્રા યોજના, આયુષ્માન કાર્ડ યોજના વગેરે જેવી યોજનાના લાભ તેમજ લાભાર્થીઓના અનુભવ અંગે વાત કરીને આગામી લોકસભા ચૂંટણી અંગે વધુમાં વધુ મતદાન કરવા અંગેની અપીલ કરવામાં આવી રહી છે.
15 જેટલા ગામોનો પ્રવાસ : કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ભુજ તાલુકાનો પ્રવાસનો આખા દિવસ દરમિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 જેટલા ગામોમાં આજે પ્રવાસ કરવામાં આવશે.પ્રવાસ દરમિયાન ગ્રામજનો અને મતદારો વચ્ચે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષની અંદર વિકાસના કામો કર્યાં છે તેમજ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યો છે, જેનો દરેક ગામના લોકોએ પણ તે યોજનાઓનો લાભ લીધો છે.
મતદારોમાં ઉત્સાહ : લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ખાસ કરીને ગામોગામ પ્રવાસ દરમિયાન લોકો જે રીતે સ્વાગત અને સન્માન કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે માત્ર મતદાન દિવસની જ રાહ જોઈ રહ્યા છે. તો કચ્છની અંદર જે રીતે 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યો થયા છે તેમજ જે રીતે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 13 વર્ષ કચ્છને સવાયું કચ્છ બનાવવામાં આવ્યું છે તે રીતે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગામમાં વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરાશે : સ્થાનિક રહેવાસી અશોક બરાડિયાએ જણાવ્યું હતું કે, લાખોંદ ગામમાં પચરંગી પ્રજા વસે છે અગાઉના સરપંચોએ ગામમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે અને લાખેણુ ગામ બનાવ્યું છે. વિકાસ છે તે હંમેશા એવી પદ્ધતિ છે કે જેની હંમેશા ખૂટતી કડીઓ હોય છે. ત્યારે અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ઉમેદવાર જે પણ ખૂટતી કડીઓ હશે તે પૂરી કરીને ગામને વિકસિત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી છે.