કચ્છઃ દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી વખતે સંજય ગીગા નામનો માછીમાર અચાનક ડુબવા લાગ્યો હતો. આ ડુબતા માછીમારનું રેસ્ક્યુ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે કર્યુ હતું. આ માછીમારનું રેસ્ક્યુ કર્યા બાદ તેને જખૌ બંદરે સઘન સારવાર અપાઈ હતી.
સમગ્ર ઘટનાક્રમઃ ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ ઉપરાંત દરિયામાં ફસાયેલ અનેક માછીમારોના જીવ બચાવવામાં પણ હંમેશા તતપર રહ્યું છે. 07મે 2024ના રોજ લગભગ 11:30 કલાકે દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડ ઈન્ટરસેપ્ટર બોટ C-437એ સંજય ગીગા નામના માછીમારને જખૌથી આશરે 22 કિમી દૂર દરિયામાં ડૂબતા બચાવ્યો હતો. જહાજ જ્યારે કચ્છના દરિયાકાંઠે વિસ્તારની દેખરેખમાં હતું ત્યારે તેને માછીમારી બોટ ડુબવા અંગેના સમાચાર મળ્યા હતાં. સત્વરે ICG જહાજ ડાયવર્ટ કરી અને ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું. સંજય ગીગા માછીમારને બેભાન અવસ્થામાં ઝડપથી બહાર કાઢવામાં આવ્યો હતો. માછીમારને પ્રાથમિક સારવાર આપી અને પછી તેને જખૌ બંદરે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સ્ટેશન મેડિકલ ઓફિસરે સઘન સારવાર આપવામાં આવી હતી. માછીમારને હાલમાં નલિયાના સીએચસીમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે માછીમારની તબિયત સ્થિર હોવાના સમાચાર છે.
અગાઉ રેસ્ક્યુઃ ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા ઉપરાંત દરિયામાં ફસાયેલ અનેક માછીમારોના જીવ બચાવવામાં પણ અગ્રેસર હોય છે. સંજય ગીગા નામક માછીમારને ડુબતી બોટમાંથી મધ દરિયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે બચાવ્યો છે. આ સિવાય તાજેતરમાં 01 મે 2024 ની રાત્રે ICG જહાજે વેરાવળની પશ્ચિમમાં 130 કિલોમીટર દૂર ફિશિંગ બોટ સેન્ટ ફ્રાન્સિસમાંથી ગંભીર રીતે ઘાયલ એક ક્રૂને બહાર કાઢ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં અમૂલ્ય જીવન બચાવવામાં યોગદાન આપીને તેના મુદ્રાલેખ ‘અમે રક્ષણ કરીએ છીએ’ને ફરીથી સાર્થક કર્યુ છે.