કચ્છ : ગાંધીધામના ખ્યાતનામ રાધિકા જ્વેલર્સમાં નકલી ED ટીમ બનાવીને દરોડો પાડનાર 12 લોકોની ટીમના મુખ્ય માસ્ટર માઈન્ડ અને ટીમને લીડ કરનાર અમદાવાદનો શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈની પૂછપરછ દરમિયાન સમગ્ર કેસ મામલે નવા ખુલાસા થયા છે. જેમાં તેણે નકલી આઇડી કાર્ડ કેવી રીતે બનાવ્યું તે પણ કબૂલ્યું હતું.
નકલી ED ટીમનો ભેજાબાજ લીડર : કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ED ના નામે ગાંધીધામના રાધિકા જ્વેલર્સમાં રેડ પાડનાર 12 લોકોની ટોળકીમાં અસલિયત સાબિત કરવા માટે તેઓએ એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો પોલીસને આરોપીના મોબાઇલમાંથી મળી આવતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં આ ષડયંત્રનો મુખ્ય આરોપી અને અમદાવાદ DRM ઓફિસમાં કામ કરતા શૈલેન્દ્ર દેસાઇ છે.
આવી રીતે બનાવ્યું નકલી ID કાર્ડ: પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, રેડ દરમિયાન નકલી ટીમના મુખ્ય અધિકારી તરીકે પોતાનું આઇડી કાર્ડ બતાવનાર શૈલેન્દ્ર દેસાઇએ ગૂગલ પરથી તમિલનાડુમાં 20 લાખના લાંચના કેસમાં ઝડપાઈ ચૂકેલ ED અધિકારી અંકિત તિવારી નામનું આઇડી કાર્ડ ડાઉનલોડ કર્યું હતું. બાદમાં તેમાં ફોટો સાથે પોતાનો ફોટો બદલીને સમગ્ર કાવતરામાં માસ્ટર માઈન્ડ તરીકે ભાગ ભજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં અંકિત તિવારી નામના ED અધિકારીએ સરકારી ડોક્ટરને ધમકી આપી અને 3 કરોડ રૂપિયા લાંચની માંગણી કરી હતી. જોકે 51 લાખમાં ડીલ ફાઈનલ થઈ અને ડોક્ટરે આરોપીને ગત 1 ડિસેમ્બરના રોજ લાંચના પ્રથમ હપ્તા તરીકે 20 લાખ ચૂકવ્યા હતા. બાદમાં ડોક્ટરે વિજિલન્સ ટીમને ફરિયાદ કરતા આરોપી અંકિત તિવારીની અટક કરવામાં આવી હતી. જેનું ED અધિકારી તરીકેનું ID કાર્ડ ગૂગલ પર ચડી ગયું હતું.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું : નકલી ED ટીમ બનાવી રેઈડ પાડનાર 12 લોકોની ટોળકીને સાથે રાખી પોલીસે ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં બનાવનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તમામ આરોપીઓને ST બસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને બાદમાં રાધિકા જ્વેલર્સ સુધી પગપાળા લઈ જવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા હતા.