કચ્છ : આમ તો સુકો મલક ગણાતા કચ્છમાં વરસાદનું પ્રમાણ છેલ્લા 10 વર્ષમાં વધ્યું છે. પરંતુ જ્યારે જ્યારે ગરમીનો દોર લંબાય છે ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘ વૃષ્ટિ થઈ છે. આ વખતે હીટવેવનો સમય અગાઉના વર્ષોની સરખામણીએ ઘણો લાંબો ચાલ્યો છે. સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસું બેસે અને જુલાઈ અને ઓગસ્ટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે છે. અત્યાર સુધી કચ્છના 10 તાલુકાઓમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક સંતોષકારક વરસાદની તો હજુ પણ રાહ જોવાઈ રહી છે.
વરસાદ ઘટ્યો, નીરની આવક ઘટી : ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનામાં વાવાઝોડા બિપરજોયના કારણે ભારે વરસાદથી જિલ્લાના મધ્યમ સિંચાઈના મોટાભાગનો ડેમો ભરાઈ ગયા હતા. પરંતુ આ વર્ષે જૂન મહિનામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે માત્ર મુન્દ્રાના કાળાઘોઘા ડેમને બાદ કરતા મધ્યમ સિંચાઈના મોટાભાગના ડેમમાં નવા નીરની આવક નહિવત થઈ છે.
સંગ્રહ શક્તિનું 21 ટકા જ પાણી ઉપલબ્ધ : કચ્છ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એ.એલ. સાવલીયાએ માહિતી આપતા જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ, જે ગેટેડ સ્કીમ, પાણી પુરવઠા હસ્તકનો છે. આ સિવાય અન્ય 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમમાં 84.25 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 21.23 ટકા જેટલું જ છે.
મધ્યમ સિંચાઈના 7 ડેમ તળિયાઝાટક : જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમ 2023માં ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો થયો ન હતો. રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 0.30 ટકા પાણી બચ્યું છે. જિલ્લામાં 7 જેટલા ડેમો એવા પણ છે કે, જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. બીજી બાજુ જિલ્લાના બેરચિયા, કાળાઘોઘા, ટપ્પર આ માત્ર 3 જ ડેમમાં 50 ટકાથી વધુ પાણી સંગ્રહીત છે. વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 872 mm વરસાદ નોંધાયો છે, એટલે સરેરાશ 43 mm વરસાદ મધ્યમ સિંચાઇના 20 ડેમ પર નોંધાયો છે.
સૌથી મોટા ડેમમાં સૌથી ઓછું પાણી : ભુજ તાલુકાના રુદ્રમાતા અને કાયલા ડેમમાં સૌથી ઓછું પાણી છે, જે નહિવત જેટલું જ ગણી શકાય. તો કાસવતી ડેમમાં પણ માત્ર 7.60 ટકા જ પાણી બચ્યું છે. મુન્દ્રા તાલુકામાં સારા એવા વરસાદના પગલે તાલુકાના કાળાઘોઘા ડેમમાં 82.11 ટકા પાણી ભરાયેલું છે. જ્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમ અને અબડાસા તાલુકાના બેરાચીયા ડેમ અડધોઅડધ ભરાયેલા છે.
કચ્છના 20 મધ્યમ સિંચાઈ ડેમો : કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના કુલ 20 ડેમો છે. જે પૈકી અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુન્દ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ આવેલા છે.
કચ્છના નાની સિંચાઈ ડેમ : કચ્છ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકની નાની સિંચાઈ યોજનાના 170 ડેમો છે. જે પૈકી 124 જેટલા ડેમ તળિયાઝાટક થયા છે. રિપોર્ટ મુજબ ભુજ તાલુકાના 35 ડેમ પૈકી 20 ડેમ, અંજાર તાલુકાના 12 ડેમ પૈકી 9 ડેમ, માંડવી તાલુકાના 21 ડેમ પૈકી 6 ડેમ, મુન્દ્રા તાલુકાના 11 ડેમ પૈકી 2 ડેમ ,નખત્રાણા તાલુકાના 16 ડેમ પૈકી 15 ડેમ, લખપત તાલુકાના 17 ડેમ પૈકી 16 ડેમ, અબડાસાના 24 ડેમ પૈકી 22 ડેમ, રાપરના તમામ 16 ડેમ અને ભચાઉના તમામ 18 ડેમના તળિયા દેખાઈ રહ્યા છે.