કચ્છ: શિયાળાના આગમન પહેલાં જ તસ્કરો જાણે સક્રિય થયા હોય તેમ પુર્વ કચ્છના રાપર વિસ્તારમાં ચિત્રોડ આસપાસના 3 ગામોમાં 10 મંદિરોના તાળો તોડી સામૂહિક ચોરી કરીને પોલીસને પડકારવામાં આવ્યો છે.
ગાગોદર પોલીસે સમગ્ર મામલે આસપાસના સીસીટીવી તપાસવા સાથે ચોરોની શોધખોળ હાથ ધરી છે અને ચોરીનો આંકડો તથા અન્ય વિગતો સામે આવ્યા બાદ ફરીયાદ નોંધી તપાસ કરવાનો ધમધમાટ શરૂ કર્યો છે. સામૂહિક ચોરીની ઘટનાથી આસ્થા ધરાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
10 મંદિરમાં ચોરી: સામાન્ય રીતે શિયાળામા ચોરીના બનાવોમાં ઉછાળો જોવા મળતો હોય છે અને તે માટે પોલીસ પણ રાત્રી પેટ્રોલીગ સહિતની સક્રિયતા વધારી દે છે. જો કે પોલીસ સક્રિય થાય તે પહેલા પૂર્વ કચ્છમાં ચોરોએ પોતાની હાજરી પુરાવી છે.
પૂર્વ કચ્છના રાપર પંથકમાં આવેલ ચિત્રોડ,જેઠશ્રી તથા મેવાસા ગામમાં 10 થી વધુ મંદિરોને નિશાન બનાવીને સામૂહિક ચોરીની ઘટના સામે આવી છે. વહેલી સવારે ગ્રામજનોના ધ્યાને આ વાત આવતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા સાથે પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
3 ગામના 10 મંદિરના તાળા તૂટ્યાં: વિવિધ સ્થળે થયેલી ચોરીના સ્થળે પહોંચીને પોલીસે તપાસ કરતા સામે આવ્યુ છે કે, ચિત્રોડ, મેવાસા તથા જેઠાશ્રી સહિતના ગામમાં આવેલા રામમંદિર, રવેચી મંદિર, સિધ્ધાયાત્રી મંદિર તથા અન્ય મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે ગાગોદર પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી તપાસવા સાથે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કિંમતી વસ્તુઓ પણ ચોરાઈ: પોલીસે અત્યાર સુધીમાં કરેલી તપાસમાં કોઇ મહત્વની કડી મળી નથી. જો કે ચોરીનો પ્રાથમીક આંક મેળવી પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. દાનપેટી સહિત કેટલાક મંદિરોમાંથી કિંમતી વસ્તુઓ પણ ચોરાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે, અને પ્રાથમીક તપાસમાં બુધવારે રાત્રે જ આ ચોરીની ઘટનાને અંજામ અપાયો હોવાનુ અનુમાન પોલીસ લગાડી રહી છે.
પોલીસને પડકાર: સમગ્ર સામૂહિક ચોરીની ઘટના અંગે ઇન્ચાર્જ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સામુહિક મંદિર તસ્કરીનો મામલો સામે આવ્યો છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ચોરીનો આંકડો તથા અન્ય વિગતો સામે આવ્યા બાદ ફરીયાદ નોંધી તપાસ કરાશે. હાલ પોલીસે ગામ તથા આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે ચોરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે એક સાથે અનેક મંદિરોમાં ચોરીની ઘટનાથી આસ્થા ધરાવતા વાગડ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.