કચ્છ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને પણ નિહાળવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા "રણોત્સવ" થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “એક ભારત શ્રેષ્ઠ ભારતનું” ચિંતન કર્યું છે. આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આ રણોત્સવ પણ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાનો જ અવસર છે.
ગુજરાતને વિઝનરી લીડર મળતા વિકાસ થયો: ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર એવા મોટાભાગના ક્ષેત્રોમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો હતો નહીં. પરંતુ ગુજરાતને વિઝનરી લીડર મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની નેમ લીધી. કચ્છમાં આવેલા ભૂકંપની તારાજીમાંથી પણ રાજ્ય બેઠું થયું, રાજ્યએ આ પડકાર ઝીલ્યો અને એ આફતને અવસરમાં કેવી રીતે ફેરવી દીધું તે દેશ અને દુનિયા આજે જોઈ રહી છે.
ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ: વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ‘રણોત્સવ’ની શરૂઆત થઈ હતી ,જે આજે 4 માસ માટે યોજાય છે, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. આજે કચ્છનું રણ રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
રણોત્સવ લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ: કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે. અહીનું ક્રાફ્ટ બજારે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.
બહારથી આવેલા પ્રવાસીઓએ હોબાળો કર્યો: ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે. પરંતુ આજે ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ બહાર પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. CMની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવાસીઓને પ્રવેશ નહીં અપાતા પ્રવાસીઓ નારાજ થયા હતા અને કાર્યક્રમ સ્થળે રોષ વ્યકત કર્યો હતો. ઉપરાંત પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.
ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી: રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે. સૌના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે. રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઊભરી આવ્યો છે. દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.
54 કરોડના ખર્ચે 460થી વધુ ટેન્ટ ઊભા કરાશે: રણોત્સવમાં લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને તેમજ લોકોને રોજગાર મળ્યું છે.તો બીજી બાજુ રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પણ પ્રાપ્ત થયું છે. મધ્યમવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત દરમિયાન ટેન્ટમાં રોકાણનો લ્હાવો માણી શકે તે માટે રૂપિયા 54 કરોડના ખર્ચે 460થી વધુ ટેન્ટ આગામી સિઝનમાં ઊભા કરવામાં આવશે.
આ પણ વાંચો: