ભુજ: આજના રાખી મેળામાં ખાસ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશ ચૌહાણ, ડાયટના નિવૃત્ત આચાર્ય સંજયભાઈ ઠાકર, B.R.C કોર્ડીનેટર ભરતભાઈ પટોડીયા, અખીલ ગુજરાત વિશિષ્ટ શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ સિંહ ઝાલા, C.R. C. કોર્ડીનેટર જિતેનભાઈ જોષી તેમજ સ્થાનિક અગ્રણી વિનોદભાઈ ગાલા દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડીનું વેંચાણ: દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડીઓ, ચોકલેટ, મડવર્કની પ્રતિકૃતિઓ, ઘર સુશોભનની વસ્તુઓ, ઘડિયાળ, નવરાત્રી માટેના આભૂષણો, માટીના દીવાઓનું પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લુ રહેશે. તેવું ધનવંતરી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને આવા બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાખડીઓનો પ્રદર્શન નિહાળીને રાખડીઓની ખરીદી કરવામાં આવે જેથી બાળકોને પણ પ્રોત્સાહન મળે અને તેમનો ઉત્સાહ પણ વધે તેવી અપીલ કરવામાં આવી છે.
2000થી વધારે દિવ્યાંગ બાળકો મુખ્યપ્રવાહ સાથે જોડ્યા: વર્ષ 2001 ના ભૂકંપમાં ધરાશાઈ થયેલી ધનવંતરી દિવ્યાંગ બાળકોની સ્કૂલને રાજ્ય સરકારે સહયોગ કરીને ફરી બેઠી કરી છે. ગુજરાત સરકારની મદદથી વટ વૃક્ષ બનેલી દિવ્યાંગ માટેની શાળાએ કચ્છના બે હજારથી વધારે દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહની સાથે જોડ્યા છે. એક સમયે માનસિક વિકલાંગ ગણાતા બાળકોએ ધનવંતરી સ્કૂલમાં યોગ્ય માવજત અને તાલીમના કારણે બેંકમાં ક્લાર્ક, શાળામાં ટીચર, ઈલેક્ટ્રિશિયન બ્યુટીશન કંપનીના નોકરી સહિતના ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે.
વોકેશનલ ટ્રેનિંગ મારફતે બાળકોએ વિવિધ વસ્તુઓ બનાવી: ધરતીકંપ બાદ કચ્છના લોકોના પુન:ર્વસનમાં દિવ્યાંગ બાળકોની ચિંતા સેવીને ગુજરાત સરકારે સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પહેલી ઓગસ્ટથી આયોજિત રાખી મેળામાં દિવ્યાંગ બાળકો દ્વારા જાતે બનાવવામાં આવેલ રાખડી, માટીકામની વસ્તુઓ, ઘર સુશોભનની વસ્તુઓ તથા ચોકલેટનું વેચાણ કરવામાં આવશે. જન્મથી જ સાંભળી કે બોલી ન શકનારા સ્પેશિયલ બાળકો માટેની આ ધનવંતરી સ્કૂલ છે.
દિવ્યાંગ બાળકોનો ઉછેર એ ધીરજ: જ્યારે સામાન્ય બાળકો અભ્યાસમાં નબળા તેમજ વર્તન કરવામાં થોડા આક્રમક કે વધુ શાંત હોય તો પરિવારજનો ચિંતા માં મુકાઈ જતા હોય છે. પરંતુ જે બાળકો શારીરિક અને માનસિક ખામી સાથે જન્મે તે બાળકોનો ઉછેર તેમજ અભ્યાસ એ ખૂબ જ ધીરજ, મહેનત તથા પુણ્યનું કામ છે. આવા બાળકોને સમાજ સ્વીકારે અને બાળકો ખુદ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાનું સ્થાન મેળવી રોજગાર મેળવી શકે તે રીતે તેમને તૈયાર કરવા માટેની સફર વાલીઓ તેમજ બાળકો માટે પીડાજનક અને થકવી દેનાર હોય છે.
દિવ્યાંગ બાળકોને બિહેવિયર અને અભ્યાસ માટેની તાલીમ: ધનવંતરી શાળામાં દિવ્યાંગ બાળકોને બિહેવિયર તેમજ અભ્યાસ માટેની તાલીમ આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં બાળકો પગભર થઈ શકે. સરહદી કચ્છમાં મનોદિવ્યાંગ, શ્રવણમંદ, ઓટિઝમ ધરાવતા બાળકો માટે આ શાળા વરદાન રૂપ છે. છેલ્લા અઢી દાયકાથી કચ્છના 2000થી વધારે વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને આત્મવિશ્વાસથી મજબૂત કરીને સમાજમાં ભેળવ્યા છે.