પાટણ : રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો વિવાદ સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ આ મામલે નમતું જોખવા તૈયાર ન હોય ગ્રામ્ય વિસ્તારમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે પાટણ ખાતે પાટણ બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ કરાવવા તથા ઉમેદવારી રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન : પાટણના વાળીનાથ ચોક ખાતે આવેલ દાનસિંહ જાડેજા રાજપુત છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાઈઓને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આંદોલન ચાલુ જ રહેશે. ક્ષત્રિય સંમેલનમાં સંકલન સમિતિના સભ્યો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજા ઉપસ્થિત હતાં.
અમારો મુદ્દો એક જ છે ઓપરેશન રૂપાલા. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ ખેલદીલી બતાવીને પોતાની ટિકિટ પાછી ખેંચી લે. જો તેઓ તેમ નહીં કરે તો જે પરિણામ આવશે તે તેમને ભોગવવું પડશે.પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વાણીવિલાસના વિરોધમાં ગામેગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. 14 મી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં તમામ ક્ષત્રિય આંદોલનમાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે...પી. ટી. જાડેજા (આંતરરાષ્ટ્રીય પ્રમુખ,અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ )
પુરુષોત્તમ રૂપાલા સામે સમાજનો આક્રોશ યથાવત છે. છેલ્લા 19 દિવસથી અમારી વાત સંયમપૂર્વક મૂકી રહ્યા છે. ભાજપ હાઈ કમાન્ડ આ મુદ્દે હવે મોડું ન કરે. મોડું કરશે તો આક્રોશ વધશે ગુજરાતના તમામ ગામડાઓ અને તાલુકાઓમાં ભાજપના ઉમેદવાર આગેવાનો,કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશની તમામ લોકસભા બેઠકો ઉપર ભાજપને મોટું નુકસાન થશે... કિરણસિંહ ચાવડા (સંકલન સમિતિ પ્રવક્તા)
ગુજરાતમાં દરેક નેતાઓ પોતાના મનસ્વી રીતે જાતિ જ્ઞાતિ ઉપર અભદ્ર વાણીવિલાસ કરી રહ્યા છે જેનો ભોગ ગુજરાતને બનવું પડે છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત તરફ મીટ માંડવાની જરૂર છે ઘરનું આંગણું ચોખ્ખું કરવાની જરૂર ઊભી થઈ છે. રાજપુતોની જે લડાઈ હાલ ચાલી રહી છે તે ભારત ભરમાં એક ઉદાહરણ રૂપ બની રહેશે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી દશરથબાએ જણાવ્યું હતું કે ગુજરાતની 26 સીટોમાં 100 ઉમેદવારી પત્રો સમાજમાંથી ભરાવવા જોઈએ જેથી કરીને બેલેટ પેપરથી મતદાન થાય તો તેનું પરિણામ કંઈક અલગ જ આવશે ઇવીએમના જોડે ભાજપ જીતી રહી છે ત્યારે બેલેટ પેપરથી મતદાન થાય તે દિશામાં સમાજે કામ કરવું જોઈએ..તૃપ્તિબા રાઓલ (સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ)
રૂપાલાની ટિકિટ રદની જ માગણી : સમગ્ર રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલા ની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાટણ ખાતે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં એક જ સૂર ઊઠવા પામ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન ભોગવવું પડશે