કચ્છઃ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. શ્યામજી કૃષ્ણવર્મા મૂળ કચ્છના હતા. કઈ રીતે તેમને સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભૂમિકા ભજવી? કઈ રીતે તમેના અસ્થી કચ્છ લાવવામાં આવ્યા? જાણો આ અહેવાલમાં....
દેશના અવ્વલ દરજ્જાના સ્વાતંત્ર સેનાની પંડિત શ્યામજી કૃષ્ણવર્મા
ઇતિહાસકાર સંજયભાઈ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા બહુમુખી પ્રતિમા ધરાવતા વ્યક્તિ હતા. શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિગુરુ તો હતા જ, પણ એની સાથે તેજસ્વી પત્રકાર પણ હતા. સંસ્કૃતના વિદ્વાન હતા અને બેજોડ ધારાશાસ્ત્રી હતા, ઉપરાંત પ્રખર રાષ્ટ્રવાદી તરીકે આજે પણ તેમનું નામ રાષ્ટ્રપ્રેમી તરીકે ગુંજે છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. આ સમયે ભારતે પ્રથમ વિપ્લવ વિદ્રોહ કર્યો હતો. જ્યારે આપણા સૈનિકોએ બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો.
11 વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું
પંડિત શ્યામજી કૃષ્ણવર્માના પિતા કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઇ હતું. 11 વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. મુંબઈની નામચીન કોલેજીસમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ લંડનમાં અભ્યાસ કર્યો. એલએલબી કર્યું, સંસ્કૃતના વિદ્વાન તરીકે લંડનની યુનિવર્સિટીમાં સેવાઓ આપી છે.
શ્યામજી કૃષ્ણવર્માના ઘડતર અને ચારિત્ર્યમાં દયાનંદ સરસ્વતીનો પ્રભાવ
પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ઘડતર અને ચારિત્ર્યમાં દયાનંદ સરસ્વતીનો ખૂબ પ્રભાવ રહેલો છે. સંસ્કૃતનો જે જ્ઞાન અને રાષ્ટ્રભક્તિ છે તે તેમનામાં દયાનંદ સરસ્વતી થકી આવ્યું હતું. પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ રતલામ, જૂનાગઢ, ઉદયપુર ખાતે સ્ટેટનું દિવાનપદુ ભોગવ્યું, અજમેરમાં તેમણે વકીલાત કરી અને તે પછી તેઓ લંડન ગયા. અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ એવા હતા કે જેમને ભારતની ભૂમિ પર હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે ચળવળ ચલાવી પરંતુ આ શ્યામજી કૃષ્ણવર્મા એવા સ્વાતંત્ર્ય સેનાની હતા કે જેમણે અંગ્રેજોના માથા પર બેસીને સ્વતંત્રતાની ચળવળ ચલાવી હતી.
ક્રાંતિ કરવા પ્રેરવા માટે શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિગુરુ કહેવાયા
લંડનમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ્ય ભારતના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી, તેમને ત્યાં સ્થાયી કરવા અને ભારતની આઝાદી માટે પ્રેરવાનો હતો. શ્યામજી કૃષ્ણવર્માની પ્રેરણા અને શિષ્યવૃતિથી આગળ વધેલા વીર સાવરકર, મદનલાલ ધિંગરા છે. આવા લોકોને આગળ વધવા અને ક્રાંતિ માટે પ્રેરવા માટે શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિગુરુ કહેવાયા. ત્યાર બાદ તેઓ લંડનથી પેરિસ ગયા અને ત્યાંથી જીનીવા ગયા.
અસહકારની ચળવળમાં ટેકો જાહેર કર્યો
શ્યામજી કૃષ્ણવર્માએ જીનીવાના પોતાના નિવાસ દરમિયાન પણ ભારતમાં શું બની રહ્યું છે તેની માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ સરકારની યુદ્ધકાળમાં તટસ્થ રહેવાની નીતિને કારણે સમગ્ર યુદ્ધકાળ દરમિયાન શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાને આશરો આપનાર દેશને આપેલા વચન અનુસાર ભારતની ક્રાંતિકારી ચળવળથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. યુદ્ધ બાદ ભારતમાં ગાંધીજીની આગેવાની હેઠળ અસહકારની ચળવળ શરૂ થઈ અને શ્યામજી કૃષ્ણ વર્માએ તેને ટેકો જાહેર કર્યો.
30 માર્ચ, 1930ના રોજ શ્યામજી કૃષ્ણવર્મા અવસાન પામ્યા
1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. તેમનું એક ઓપરેશન કરવામાં આવ્યું જે બાદ ટૂંકા ગાળાની રાહત મળી. થોડા સમય બાદ જ તેમને ક્લિનિક લા કોલિન ખાતે દાખલ કરાયા. પરંતુ તેમને બચાવી ન શકાયા. 30 માર્ચ, 1930ના રોજ તેમણે આખરી શ્વાસ લીધો. ભારતીય સ્વતંત્રતાના પાયામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે. 22 ઓગસ્ટ, 1933ના રોજ તેમના પત્ની ભાનુમતી શ્યામજી વર્મા પણ જીનીવા ખાતે અવસાન પામ્યાં.
શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુના સમાચાર દબાવવા માટે બ્રિટિશર્સના ઘણા પ્રયત્નો
બ્રિટિશોના તાબામાં રહેલા અન્ય રાષ્ટ્રોના નેતાઓ સાથેના પત્રાચાર પરથી એ સાબિત થાય છે કે, શ્યામજી કૃષ્ણવર્મા સમગ્ર દુનિયામાંથી બ્રિટિશ સામ્રાજ્યવાદને ખતમ કરી નાખવાના પ્રખર હિમાયતી હતા. શ્યામજી કૃષ્ણ વર્મા પુસ્તકમાં થયેલા ઉલ્લેખ અનુસાર, શ્યામજી કૃષ્ણ વર્માના મૃત્યુના સમાચાર દબાવવા માટે બ્રિટિશર્સ દ્વારા ઘણા પ્રયત્નો કરાયા છતાં તેમના મૃત્યુના સમાચાર સ્વદેશ પહોંચતાં લાહોર જેલમાં બંધ ભગતસિંહ અને તેમના સાથી ક્રાંતિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્યામજી કૃષ્ણવર્મા સ્વતંત્રતા મળે એ ઘડી જોવા માટે જીવિત તો ન રહ્યા
મરાઠા અખબાર કે જે લોકમાન્ય ટિળક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તે અખબારમાં પણ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેઓ પોતાના દેશને સ્વતંત્રતા મળે એ ઘડી જોવા માટે જીવિત તો ન રહ્યા પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ ભગીરથ કાર્ય ક્યારેક તો શક્ય બનશે જ. તેથી તેમણે તેમની અને તેમનાં પત્નીની અસ્થિઓ ભારત સ્વતંત્ર થાય તે દિવસ સુધી સાચવી રાખવા માટે તેમણે જીનીવાની સ્થાનિક સરકાર સાથે પહેલાંથી જ ગોઠવણ કરી રાખી હતી. જીનીવાની સેઇન્ટ જ્યૉર્જ સિમેન્ટ્રીમાં તેમની અને તેમનાં પત્નીની અસ્થિઓ 100 વર્ષ સુધી જાળવી રાખવાનો પ્રબંધ તેમણે કર્યો હતો.
માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ
શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી 1952માં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પિટલ માટે આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એ એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધા હતા. માંડવી અને ભુજમાં શ્યામજીના બાવલા છે. માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.
73 વર્ષ બાદ 2003માં નરેન્દ્ર મોદી શ્યામજી કૃષ્ણવર્મા અને તેમના પત્ની ભાનુમતીનાં અસ્થિ સ્વદેશ લાવ્યા
શ્યામજીના મૃત્યુનાં 73 વર્ષ બાદ ઓગસ્ટ, 2003માં તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ એક ટોપ-લેવલ ડેલિગેશન દ્વારા તેમના અને તેમનાં પત્ની ભાનુમતીના અસ્થિ સ્વદેશ લાવવામાં આવ્યા હતા. 24 ઓગસ્ટ, 2003ના રોજ મુંબઈ મુકામે અસ્થિકળશ પહોંચ્યા બાદ 73 જિલ્લાઓમાંથી અસ્થિ પ્રસાર કરી તેમના વતન માંડવી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
માંડવી ખાતે ક્રાંતિતીર્થમાં ઇન્ડિયા હાઉસની નકલ ઊભી કરાઈ
કચ્છમાં માંડવી નજીક મસ્કા રોડ પર ક્રાંતિતીર્થ નામે સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં ઇન્ડિયા હાઉસની નકલ પણ ઊભી કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 55 વર્ષો બાદ 22 ઓગસ્ટ-2003 રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. 4 ઓક્ટોબર 2009ના રોજ તત્કાલીન મુખ્યપ્રધાનએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને 13 ડિસેમ્બર 2010ના રોજ ભૂમિપૂજન કરી 52 એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે.
શ્યામજી કૃષ્ણવર્માની સનદ પુનઃ જીવિત કરાઈ
રસપ્રદ માહિતી એ છે કે જ્યારે લંડનમાં શ્યામજી કૃષ્ણવર્મા ચળવળ ચલાવતા હતા ત્યારે તેમના તીખા લેખોથી અંગ્રેજો ખડભળી ઉઠ્યા હતા, ત્યારે તેમની વકીલાતની સનદ છીનવી લેવામાં આવી હતી. વર્ષ 2015માં કચ્છના ધોરડોમાં ચિંતન શિબિર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ તે સમયના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને શ્યામજી કૃષ્ણવર્માની સનદ પુનઃ જીવિત કરીને પાછી અર્પણ કરી હતી.
રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થ સેવા આપનાર દેશભક્ત
શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ સ્મારકએ તેમના જીવન અને ભારત સ્વાતંત્ર્યતાની લડાઇ સમયે તેમના યોગદાનની ઝાંખી પૂરી પાડે છે, જે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા સ્વરૂપ છે.ભારતની સ્વાતંત્ર્યતા ચળવળના ઇતિહાસમાં તે એક ઊંચા અર્થમાં પ્રથમ ક્રમના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર માટે નિઃસ્વાર્થ સેવા આપનાર દેશભક્ત હતા. તેમણે લંડન ખાતે "ભારત હાઉસ"માં એક ક્રાંતિકારી કેન્દ્રનું આયોજન કર્યું હતું અને તેમના પ્રકાશન જર્નલમાં કે જે "ભારતીય સોશિયોલોજિસ્ટ" કહેવાય છે, તેમાં લખાણો મારફતે ભારતની સ્વતંત્રતા ચળવળનો પ્રચાર કરતા હતા.
1989માં ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી
શ્યામજી કૃષ્ણ વર્માનો જીવન સંઘર્ષ, તેજસ્વીતા, પત્રકારિક્તા અને સંસ્કૃતના વિદ્વાન તરીકે એમણે જે ખ્યાતિ મેળવી હતી તે અદભુત હતી. શ્યામજી કૃષ્ણવર્માને યાદમાં 1989માં ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. કચ્છ યુનિવર્સિટીને પણ ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું હતું.