જુનાગઢ: જૂનાગઢનો હર્ષ રાઠોડ રબર બોય તરીકે સમગ્ર જિલ્લામાં ઓળખાઈ રહ્યો છે. તાલીમ અને સખત મહેનત બાદ આજે હર્ષ સ્વયમ પોતાના શરીરને રબરની માફક વાળીને યોગમાં વિશેષ પારંગતતા પ્રાપ્ત કરી છે. કોચ કે માર્ગદર્શક વગર માત્ર ઘરના સભ્યોની સલાહ સુચન અને તેમના નિર્દેશ અનુસાર યોગની શરૂઆત કરનાર હર્ષ રાઠોડ આજે રબર બોય બની ચૂક્યો છે.
જૂનાગઢનો રબર બોય હર્ષ: જૂનાગઢનો હર્ષ રાઠોડ એટલે કે રબર બોય, 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. હર્ષએ પાછલા છ વર્ષથી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવ્યો છે અને આઅ પાછળ સતત પરિશ્રમ કરતો જોવા મળે છે. છ વર્ષનો આ પરિશ્રમ આજે હર્ષને રબર બોયનુ ઉપનામ અપાવી ચૂક્યું છે.
ગોલ્ડ મેડલ પણ જીત્યો: હર્ષ બિલકુલ સહજતાથી શરીરનો કોઈ પણ ભાગ રબરની માફક વાળીને દંગ રહી જવાય તે પ્રકારે યોગ કરે છે. તમને જણાવી દઈએ કે, આજથી છ વર્ષ પૂર્વે યોગનો અભ્યાસ શરૂ કરનાર હર્ષ રાઠોડ ખેલ મહાકુંભમાં રાજ્ય સ્તરે યોગ સ્પર્ધામાં સફળતાપૂર્વક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે.
કોચ વગર હાંસલ કરી સફળતા: 11માં ધોરણમાં અભ્યાસ કરતો જૂનાગઢનો હર્ષ રાઠોડએ કોઈ પણ પ્રકારની ખાસ ટ્રેનિંગ તેમજ કોચ વગર યોગમાં મહારત હાંસલ કરી છે.
ક્યારે થઈ યોગની શરૂઆત: હર્ષની યોગની મુસાફરી આજથી છ વર્ષ પૂર્વે ઘરના સભ્યો વચ્ચે થતાં યોગને લઈને થતી ચર્ચા દ્વારા શરૂ થઈ હતી. ત્યારબાદ તેની યોગના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. ઉપરાંત પરિવારજનોના પ્રોત્સાહનથી યોગા કરવાનું શરૂ કર્યું. આમ ત્યારથી લઈને આજ દિન સુધી હર્ષ પરિવારના સભ્યો દ્વારા યોગ કરવાને લઈને આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરીને આજે એકદમ સફળતાપૂર્વક કઠીનમા કઠીન યોગ કરી રહ્યો છે. આઅ સાથે જ ચપટી વગાડતા જ શરીરનો કોઈપણ ભાગ વાળીને જમીન સાથે અડાડી દેવાની પારંગતતા હર્ષ રાઠોડે મેળવી લીધી છે. આગામી દિવસોમાં યોગને લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ થઈ રહેલા સ્પર્ધાત્મક આયોજનમાં ભાગ લેવાની હર્ષની ઈચ્છા છે, ઉપરાંત યોગના ક્ષેત્રમાં ગુજરાત અને જૂનાગઢનું નામ રોશન થાય તેવી ઈચ્છા પણ હર્ષ રાઠોડ રાખી રહ્યો છે.