જૂનાગઢ: આજે દશામાંનું વ્રત પૂર્ણ થવા જઈ રહ્યું છે. 10 દિવસ દશામાંની ઘરમાં સ્થાપના કરીને શક્તિ મુજબ ભક્તિ કરીને આજે અંતિમ દિવસે જાગરણ બાદ પવિત્ર સરોવર, નદી, ઘાટ પર માતાજીના સ્થાપનની ઉજવણી કરાશે, ત્યારે જૂનાગઢના કિન્નર સમાજે પણ દશામાંનું સ્થાપન કરીને 10 દિવસ સુધી માતાજીની પૂજા આરાધના કરીને વિધિવિધાન સાથે દશામાંને વિદાય આપી હતી.
આજે દશામાંના વ્રતની પૂર્ણાહુતિ: આજે દશામાના વ્રતની પુર્ણાહુતિ થઈ રહી છે. આજે આખી રાત જાગરણ બાદ પવિત્ર, સરોવર, નદી કે ઘાટમાં માતાજીને વિદાય આપવામાં આવશે. ત્યારે જૂનાગઢના કિન્નર સમાજ દ્વારા પણ પાછલા 10 દિવસથી દશામાંનું સ્થાપન કરીને ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજન કર્યા બાદ આજે રાત્રિના જાગરણને અંતે સવારે 5:00 વાગ્યા સુધીમાં માતાજીને વિદાય આપવામાં આવશે. કિન્નર સમાજને માતાજીના પરમ ઉપાસક પણ માનવામાં આવે છે. જેથી સનાતન ધર્મની પરંપરા અનુસાર માતાજીના કોઈપણ તહેવાર વ્રત કે ઉજવણી હોય તેમાં કિન્નર સમાજ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે સામેલ થતો હોય છે.
ગરબા અને મહા આરતી માતાજીને કરાઈ અર્પણ: કિન્નર સમાજ માતાજીના પરમ ઉપાસક તરીકે સ્થાન ધરાવે છે. શક્તિના પરમ ઉપાસક તરીકે પણ કિન્નર સમાજ માતાજીની સ્થાપના આરાધના અને ઉપાસના કરતા હોય છે. વર્ષમાં આવતી તમામ નવરાત્રિની સાથે દશામાંનું વ્રત પણ પ્રત્યેક કિન્નર અને સમગ્ર કિન્નર સમાજ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે કરતા હોય છે. ત્યારે આજે દશામાંનાં વ્રતના અંતિમ દિવસે જૂનાગઢના કિન્નરોએ એક સાથે માતાજીની મહા આરતી કરીને સામૂહિક ગરબા દ્વારા માતાજીના સ્થાપનના અંતિમ દિવસ અને વિદાયની અંતિમ ઘડીને ખૂબ જ ધાર્મિકતા સાથે મનાવી હતી. આજે માતાજીને મહાભોગ પણ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર કિન્નર સમાજે સામૂહિક આરતી કરીને દશામાના વ્રતની ઉજવણી કરી હતી.