સુરત: પરિવારીક હૂંફ, યોગ્ય સમયે માર્ગદર્શન અને તેમાંય રાજય સરકારની યોજનાકીય સહાય મળે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીનો અભ્યાસ દીપી ઉઠે છે. એવી જ એક વાત કરીએ સુરતની તેજસ્વી વિદ્યાર્થીની કે જેણે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ડગ્યા વિના યુક્રેનમાં તબીબીક્ષેત્રનો ત્રણ વર્ષનો ઉચ્ચ અભ્યાસ પુર્ણ કર્યો છે.
અભ્યાસનો અંદાજીત 30 લાખનો ખર્ચ: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મધ્યમવર્ગીય પરિવારના મોભી મુકેશભાઈ ચૌહાણે કહ્યું કે, મારી દીકરી કિંજલને નાનપણથી ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું. કિંજલે ધોરણ 12નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ વિદેશમાં તબીબીક્ષેત્રના અભ્યાસ માટેની ઈચ્છા વ્યકત કરી હતી. આ અંગે અમને પણ કારકિર્દીના તજજ્ઞો પાસેથી જાણવા મળ્યું કે, વિદેશમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસનો અંદાજીત 30 લાખનો ખર્ચ થશે. આટલી મોટી રકમ અમારા પાસે ન હતી પરંતુ અમે ઘર વેચીને પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકવાનો વિચાર કર્યો હતો. મધ્યમવર્ગીય પરિવાર હોવાથી આટલો ખર્ચ પરવડે તેમ ન હતું. પરંતુ મિત્ર પાસેથી વિગતો મળી હતી કે, વિધ્યાર્થીઓને ડો.બાબાસાહેબ આંબેડકર લોન સહાય મળે છે. ત્યારબાદ અમે સુરતની અનુસૂચિત જાતિની કચેરીનો સંપર્ક કરીને યોજના વિશે તમામ જાણકારી મેળવી હતી.
![યુદ્ધ વચ્ચે ડગ્યા વિના યુક્રેનમાં રહી MBBSનો ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-07-2024/gj-surat-rural08-mbbs-gj10065_16072024192106_1607f_1721137866_672.jpg)
માતા પિતાનો સંપૂર્ણ સપોર્ટ: કિંજલની માતા રિનાબેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેમ પિતા મુકેશભાઈએ આઈટીઆઈનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ સુરતની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
યુક્રેનની વિનિત્સા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન: પોતાના ડૉક્ટર બનવાના સ્વપ્ન વિશે પૂછતાં કિંજલ ચૌહાણે કહ્યું કે, વિદેશ અભ્યાસ માટેની તમામ વિગતો જાણ્યા બાદ 2021માં મે યુક્રેનની વિનિત્સા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસમાં એડમિશન લીધું. તત્કાલ જરૂરી પુરાવા સાથેની અરજી કરતા અમને માત્ર ટકાના વ્યાજદરથી રૂપિયા 15 લાખની લોન મળી હતી. કિંજલે વધુમાં જણાવતા કહ્યું કે, હાલમાં હું યુક્રેનમાં ત્રણ વર્ષનો MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને આવી છું પણ રશિયા અને યુક્રેનના યુદ્ધના પરિણામે ચોથા વર્ષ માટે ઉઝબેકિસ્તાનમાં MBBS અભ્યાસ પૂર્ણ કરવા ત્યાં એકડમિશન લીધું છે. જ્યાં હું ઓગષ્ટ-2024માં જઈને બાકીનો અભ્યાસ પુર્ણ કરીશ. રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા તેણે કહ્યું કે, અમારા સપનાઓને પાંખો આપવાનું કાર્ય રાજય સરકારે કર્યું છે. આ યોજના થકી આજે હું તબીબનો અભ્યાસ કરી રહી છું. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ડો. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના: નોંધનીય છે કે, સુરતની અનુસૂચિત જાતિની કચેરીના નાયબ નિયામક એમ.વી. પટેલે જણાવ્યું હતું કે, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ વર્ષ 2023-24માં સુરત જિલ્લામાં 60વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ લેખે રૂપિયા 9 કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની સહાયથી હજારો વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.