અમદાવાદ: અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કે જે અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે આ હોસ્પિટલ દ્વારા સરકારી યોજનાના નામે નાણા ખંખેરવા માટે સામાન્ય લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવતા હતા. જેમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે જઈને આ સમગ્ર કારસ્તાન સામે આવ્યું હતું. આ એક કાંડમાં ગામે ગામના સરપંચો, યોજનામાંથી તુરંત આવતા નાણા, અમદાવાદની આસપાસના અન્ય તબીબો, લેબ સહિત ઘણું મોટું જાળું છે જે સમય જતા પ્રામાણિક તપાસને લઈને ક્રાઈમ બ્રાન્ચની નજર હેઠળ છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આ ઘટનામાં સરકારી બાબુએ પણ કટકી મેળવી હોય જેને લઈને પોલીસ હોસ્પિટલના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવાની છે.
ખ્યાતિકાંડમાં થઈ શકે છે મોટા ખુલાસા: રોજબરોજ આ ખ્યાતિ હોસ્પિટલ કારસ્તાન અંગે નવા નવા ખુલાસા થતા જાય છે ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે. તે અંગેના મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે.
PMJAY હેઠળ તાત્કાલિક એવૃવલ કેમ મળતી હતી ?: સામાન્ય લોકોના જીવન સાથે ચેડા કરતી ખ્યાતિ હોસ્પિટલને PMJAY માં તાત્કાલિક એપ્રુવલ મળી જતું હતું. આટલી મોટી સંખ્યામાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારે તાત્કાલિક કેવી રીતે એપ્રુવલ મળતું હતું. તેમાં અન્ય કોઈ સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ? તે દિશામાં હવે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના નિવેદન લેવામાં આવશે: સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઈમ બ્રાંચ આરોગ્ય વિભાગના અધિકારીનું નિવેદન લેશે. PMJAY હેઠળ આવતા અધિકારીઓનું નિવેદન લેવામાં આવશે. આરોગ્ય વિભાગના અલગ અલગ 4 અધિકારીનું નિવેદન લેવામાં આવશે.
પુરાવા નાશનો ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધાશે: સાથે માહિતી એ પણ મળી રહી છે કે આ આરોપીઓ દ્વારા ડિજિટલ પુરાવાના નાશ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપુત દ્વારા પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અન્ય આરોપીઓ દ્વારા પોતાના પર્સનલ લેપટોપ અને અન્ય વસ્તુઓ છુપાવી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધી ડિજિટલ પુરાવા નાશ કરવાની કલમનો ઉપયોગ કરવામાં આવનાર છે.
ખ્યાતિ હોસ્પિટલના નાણાકીય વ્યવહારની તપાસ થશે: સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો અંગે માહિતી મેળવવા માટે સરકારી CA ની મદદથી હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો તપાસવામાં આવશે ત્યારે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: