ખેડા: લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. પાર્ટીઓએ ઉમેદવારની પસંદગી કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહેલી ખેડા લોકસભા બેઠક પર 2014 થી ચિત્ર બદલાયા બાદ હાલ છેલ્લી બે ટર્મથી ભાજપનો કબજો રહેલો છે. અહીં છેલ્લી બે ટર્મથી લોકસભાના સાંસદ તરીકે ભાજપના દેવુસિંહ ચૌહાણ ચુંટાઈ આવે છે. જો કે ભાજપની નો રિપીટ થિયરી અંતર્ગત બે વખત રિપીટ કરાયેલા દેવુસિંહને આ વખતે રીપીટ કરવામાં આવે છે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે નવા ચહેરાની ચર્ચા વચ્ચે કેવો રહેશે આ બેઠકનો સુર તે જાણીએ….
ભાજપની સ્થિતિ મજબૂત, સરસાઇમાં ફેર પડે પરિણામમાં નહી
ખેડા લોકસભા વિસ્તારમાં આવતી ખેડાની પાંચ અને અમદાવાદની બે મળી તમામ સાત વિધાનસભા બેઠકો હાલ ભાજપના કબજામાં છે. અહીં 2017 વિધાનસભામાં મહુધા અને કપડવંજ વિધાનસભા બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યાં 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. આમ લોકસભા વિસ્તારમાં આવતી તમામ બેઠકો ભાજપ પાસે છે. નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. અહીં ભાજપની સ્થિતિ એકંદરે મજબૂત બની છે. આ સંજોગો વચ્ચે અહીં ઉમેદવારથી માત્ર સરસાઈમાં ફેર પડશે પરિણામમાં કોઈ ખાસ ફરક પડશે નહીં તેમ વિશ્લેષકો માની રહ્યા છે.
દેવુસિંહ ચૌહાણ ક્ષત્રિય લોકપ્રિય ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સતત બે ટર્મથી આ બેઠક જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની ખાસી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે જાણીતા છે.જો તેમને રિપીટ કરવામાં આવે તો આ વખતે ભાજપ અહીં ઐતિહાસિક સરસાઈ મેળવશે તેમ મનાઈ રહ્યુ છે. જો કે નવો ચહેરો આવે તો પણ અહીં પરિણામમાં કોઈ ફરક પડે તેમ નથી કેમકે અહી ભાજપ પહેલા કરતાં ઘણી જ મજબૂત સ્થિતિમાં છે.
કોંગ્રેસ સતત નિષ્ફળ નીવડી રહી છે
પરંપરાગત રીતે કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે.લોકસભા વિસ્તારની બે વિધાનસભા બેઠક કોંગ્રેસ ગુમાવી ચૂકી છે.હાલ તેની પાસે અહીં એકપણ વિધાનસભા બેઠક નથી.તેમજ તાલુકા જીલ્લા પંચાયતમાં પણ નબળો દેખાવ રહ્યો છે.કોંગેસ અહીં જનાધાર ગુમાવી ચૂકી છે.તેની પાસે મજબૂત નેતાગીરી પણ નથી.જેને લઈ લોકસભામાં તે વાપસી કરે તેવી શક્યતા નથી.
રાષ્ટ્રીય મુદ્દા આધારિત ચુંટણી
લોકસભાની ચૂંટણીઓમાં મુખ્યત્વે રાષ્ટ્રીય મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવે છે.જો કે સ્થાનિક મુદ્દાઓ અને પ્રશ્નોને વાચા આપે અને સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવા ઉમેદવારને લોકો પસંદ કરતા હોય છે. પરંતુ મુખ્યત્વે રાષ્ટ્રીય મુદ્દાની બોલબાલા જોવા મળે છે. આ સંજોગોમાં ઉમેદવારથી પરિણામ પર કોઈ ખાસ ફરક પડે તેમ નથી. જોકે ઉમેદવારની પસંદગીથી સરસાઇમાં થોડો ફરક પડે તેમ છે તેવું વિશ્લેષકો માની રહ્યા છે.