ખેડા : કઠલાલ તાલુકાના એક ગામની શાળાના શિક્ષકે શાળામાં ભણતી નવ વર્ષની બાળકીની છેડતી કરી શારીરિક અડપલાં કરવાની શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બનવા પામી છે. સફાઈ કરવાના બહાને શાળાના રૂમમાં બોલાવી ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની દીકરી સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા હતા. જે મામલે કઠલાલ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
9 વર્ષીય બાળકીની છેડતી : કઠલાલ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.50) શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેણે 31 ઓગસ્ટ, શનિવારના રોજ સવારની શાળા હોવાથી શાળાના રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ 4 માં ભણતી 9 વર્ષની બાળકીને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખૂણામાં લઈ જઈ તેણીના કપડા ઊંચા કરી શારીરિક અડપલાં અને છેડતી કરી હતી.
નરાધમ શિક્ષકની અટકાયત : હવસખોરનો ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માતા પિતાને સમગ્ર બાબતની રડમસ અવાજે જાણ કરી હતી. જેને લઈ બાળકીના પિતા દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલાં કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ કાર્યવાહી : આ બાબતે DySP વી. એન. સોલંકીએ જણાવ્યું હતું કે, કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની શાળામાં ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષીય એક દિકરી શાળામાં ગઈ, ત્યારે શાળાના શિક્ષક અખ્તરઅલી મહેમૂદમિયાં સૈયદે એની સાથે છેડતી કરી અને શારીરિક અડપલાં કર્યા. જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશને BNS અને પોક્સો અધિનિયમ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આરોપીને પોલીસે કોર્ડન કરી લઈને પૂછપરછ ચાલુ છે. યોગ્ય પુરાવા મેળવી એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.