ખેડા : કઠલાલમાં નનામી ચિઠ્ઠીઓ મોકલી લોકો પાસે ખંડણીની માંગણી કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના વેપારી, સામાજીક કાર્યકર સહિતના લોકો પાસે રૂ. 30 થી 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ખંડણી માગનાર GRD જવાન વાહીદ વ્હોરાને ખેડા LCB પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ચિઠ્ઠીઓ મૂકી માંગી ખંડણી : કઠલાલના પ્રતિષ્ઠિત અને અગ્રણી વ્યક્તિઓ પાસે રૂ.30 થી 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. જે માટે દુકાન આગળ અને અલગ અલગ જગ્યા પર ચિઠ્ઠીઓ મૂકીને ખંડણી માગવામાં આવી હતી. જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે ભયભીત બનેલા લોકો દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈ ખેડા LCB અને કઠલાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચકાસવા સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.
GRD જવાન જ નીકળ્યો આરોપી : ખેડા LCB પોલીસની યાદી મુજબ પોલીસ તપાસ દરમિયાન કઠલાલ પોલીસ સ્ટેશનમાં GRD સભ્ય તરીકે છેલ્લા 12 વર્ષથી સેવા આપતા વાહીદ વ્હોરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાની ઇકો કારના હપ્તા ભરવાના રૂપિયા ન હોવાથી અને પરિવાર મોટો હોવાથી તેમજ લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવાના હોવાથી તેની ચિંતામાં રહેતો હતો. જે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે શહેરના પ્રતિષ્ઠિત લોકો પાસેથી ખંડણીની માંગ કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ તે માટે વિવિધ ક્રાઈમ સ્ટોરીથી પ્રેરિત થઈ તેણે આ મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું પણ જણાવ્યું હતું.