ખેડા: જીલ્લાના લાડવેલ ચોકડીથી અલીણા થઈ આણંદ જીલ્લાના પણસોરાને જોડતા રોડ પર શેઢી નદી પરનો પુલ વરસાદ બાદ જર્જરિત થયો છે. જેની ચકાસણી બાદ તંત્ર દ્વારા સલામતીના કારણોસર પુલ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યાં બે જીલ્લાની હદ લાગતી હોય બંને તરફ ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. ત્યારે બસો રૂપિયા લઈને આ જોખમી પુલ પર ભારદારી વાહનોને પસાર થવા દેવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે.
અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ: તાજેતરમાં ભારે વરસાદને કારણે શેઢી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. કેટલાક દિવસો શેઢી નદી પરના માઈનોર પુલ પર પાણી રહ્યું હતું. જે બાદ તંત્ર દ્વારા પુલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પુલ જર્જરિત હોવાથી સલામતીના કારણોસર બસ, ટ્રક, માલવાહક વાહનો, ક્રેન તેમજ અન્ય ભારદારી વાહનોની પુલ પર અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત સલામતી માટે મહુધા પોલિસ દ્વારા ગાર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ આણંદ જીલ્લાની હદ પાસેના સોરા ખાતે ભાલેજ પોલીસ પણ હાજર હોય છે.
કોઈ ગાર્ડ જોવા મળ્યા નહોતા: સમગ્ર બાબતની વાસ્તવિકતા ચકાસતા ગાર્ડ નિયમિત ડ્યૂટી બજાવે છે પરંતુ અહીં પુલ પરથી ભારદારી વાહનો પસાર થવા દેવાતા નથી તેવા દાવાની પોલ સામાન્ય જનતા સામે ખુલી હતી. અહીં કોઈ ગાર્ડ જોવા મળ્યા નહોતા કે કોઈ રોકનાર નહતું. અહીં બેરોકટોક ભારદારી વાહનો પસાર થઈ રહેલા જોવા મળ્યા હતા.
પુલ પસાર કરી આવતા ગ્રામજનોએ માલવાહક ટ્રક રોકી: શનિવારે રાત્રે મહુધા તાલુકાના હેરંજ ગામ પાસે આવેલા શેઢી નદીના પુલ પરથી ત્રણેક કિલોમીટર પસાર થયા બાદ ચુણેલ ગામે પહોંચતા ગ્રામજનોએ પરપ્રાંતિય ભારદારી ટ્રક જોતા તેને રોકી પૂછપરછ કરી હતી. જેમાં ડ્રાયવર દ્વારા ભાલેજ તરફથી આવતો હોવાનુ જણાવ્યું હતું. તેમજ બેરીકેટ પાસે ગાર્ડ દ્વારા બસો રૂપિયા લઈ પુલ પરથી આવવા દીધો હોવાનુ જણાવ્યું હતું. આ ટ્રકમાં કુલ 37 ટન ઉપરાંત ટ્રકનું વજન થતું હોવાનું પણ જણાવ્યું હતું. પુલ પસાર કરીને આવેલા અન્ય એક દિલ્હીથી બોમ્બે જઈ રહેલા ટ્રક ચાલકે પણ તેને કોઈએ રોક્યો ન હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.
ચાલકને રોક્યો હોવાનો ગાર્ડનો લૂલો બચાવ: પુલ પર બેરીકેટ મુકવામાં આવેલા છે. તેમજ ચેક પોસ્ટ પણ બનાવેલી છે. પરંતુ કોઈ ગાર્ડ જોવા મળ્યા નહોતા. જો કે બે-ત્રણ ભારદારી વાહનો પસાર થઈ ગયા બાદ અચાનક બે હોમગાર્ડ આવ્યા હતા. જેમણે ટ્રક ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે રોકાયો ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
બસો રૂપિયા લઈ જવા દીધો-ટ્રક ચાલક: પરપ્રાંતિય માલવાહક ટ્રકના ચાલક સાદિકએ જણાવ્યું હતું કે, 'હું ભાલેજ તરફથી આવું છું અને દિલ્હી જઈ રહ્યો છું. ત્યાં બેરીકેટ લગાવ્યા હતા મારી પાસે બસો રૂપિયા લીધા અને છોડી દીધો. તે ગાર્ડ કે કોઈ પોલીસવાળા હતા. મને કોઈએ કશું ન કહ્યું અને જવા દીધો. મને પુલ બાબતે કંઈ ખબર નથી હું પહેલી વાર આવ્યો છું.'
બસો રૂપિયા માટે જોખમ ઉઠાવ્યું તે હિતાવહ નથી-ગ્રામજન: આ રોડ પરથી રોજીંદા અવરજવર કરનાર મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, 'ભારદારી વાહનો પુલ જોખમી હોવાથી પસાર થઈ શકે નહિ પણ આજરોજ મેં ચુણેલ પેટ્રોલ પંપ પાસે આ ગાડી જોઈ એટલે મેં ચુણેલ પાટિયાની આગળ આ ગાડી રોકી છે. આ ગાડીની અંદર 30ટન વજન છે. તથા ગાડીનું વજન 7 ટન છે. વજન ભરેલી ગાડી જોખમી પુલ પરથી નીકળે અને સંજોગોવસાત પુલ તૂટ્યો હોત તો આજુબાજુ ચુણેલ, હેરંજ, મહીસા, અલીણાના જે રોજીંદા પેસેંજરો છે એમના રોજગારનું શું થાત. ખાલી બસો રૂપિયા માટે જોખમ જે ઉઠાવ્યું એ ખરેખર હિતાવહ નથી. હવે ડાંગરના પાકની સિઝન ચાલુ થઈ એટલે ડાંગર લેવા માટે પણ ખેડૂતોના અમુક ખેતરો હેરંજ પુલની પેલી બાજુ છે એટલે એ પણ એક હેરાનગતિ જ છે ખેડૂતો માટે. અમુક ગ્રામજનો એવું કહેવા માંગે છે કે અમને દિવસે અમારા પૂરા(ઘાસ)ભરેલા ટ્રેક્ટરો નથી જવા દેતા.
રોકવાની કોશિશ કરી પણ ગાડી જવા દીધી-હોમગાર્ડ: આ બાબતે હોમગાર્ડ સુરેશભાઈ અને કમલેશભાઈએ જણાવ્યું હતું કે, 'આણંદ બાજુથી પુલ ક્રોસ કરીને ગાડી આવી હતી. અમે રોકવાની કોશિશ કરી પણ ગાડી ઉભી રાખી નહી.'
ખેડૂતો અને ગ્રામજનોને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ: ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા દિવસ દરમિયાન ખેડૂતો અને ગ્રામજનોના સામાન્ય વજન ધરાવતા વાહનો રોકી હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ રીતે બસો રૂપિયા લઈને જવા દેતા ભારદારી વાહનોની કોઈ દુર્ઘટના બને તો જીવનું તો જોખમ છે જ સાથે આસપાસના કેટલાય ગામોનો તેમજ અન્ય પસાર થતા વાહનોનો વ્યવહાર ખોરવાય તેમ છે. જેને લઈ આવી કામગીરી પ્રત્યે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: