અમદાવાદ: ખાદીનું નામ આવે એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્મરણ અચુક થઈ આવે, ત્યારે ખાદીને સાચવી રાખતી ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાઓની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી હોય તેવી સ્થિતિ ભાવનગરમાંથી જાણવા મળી રહી છે. અહીંના ગાંધી સ્મૃતિમાં પણ ખાદીનો એક રેકોર્ડ છે. જોકે, હાલમાં ખાદીની શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ Etv ભારત કર્યો છે.
આજની સ્થિતિ: ભાવનગર શહેરમાં ગાંધી સ્મૃતિની સ્થાપના આઝાદી બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલના સહયોગ સાથે થઈ હતી. જો કે 1955થી આજ દિન સુધી ગાંધી સ્મૃતિની સ્થિતિ શું છે ? અને એક દિવસ જેને આજે પણ ગાંધી સ્મૃતિમાં કામ કરતા લોકો યાદ રાખે છે. હાઈપ્રોફાઈલ બની ગયેલી ખાદીની સ્થિતિ આજના સમયમાં શું છે તે જાણવાનો અહીં પ્રયાસ કરાયો છે.
ગાંધી સ્મૃતિની સ્થાપના અને લોકાર્પણ
ભાવનગર શહેરના ક્રેસેન્ટ સર્કલમાં 1 નવેમ્બર1955માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાલાલ નહેરુ દ્વારા ગાંધી સ્મૃતિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે 1948માં તેનું ખાતમુહૂર્ત સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરાયું હતું. 1955થી લઈને આજ દિન સુધી ગાંધી સ્મૃતિ દ્વારા હજુ પણ ખાદીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાદી એટલે ગાંધીજીનું સીધું સ્મરણ કરાવતું વસ્ત્ર છે, ત્યારે હાલમાં સમગ્ર રાજ્ય કરતા ભાવનગર ગાંધી સ્મૃતિની સ્થિતિ સારી હોવાનું સંચાલકો જણાવે છે.
વાર્ષિક આવકમાં એક દિવસ યાદગાર
ભાવનગર શહેરમાં આવેલી ગાંધી સ્મૃતિના મેનેજર ભુપેશભાઈ શાહે જણાવ્યું હતું કે, ગાંધી સ્મૃતિમાં જે તે સમયે ખાદીનું વેચાણ હતું. પરંતુ આજ દિન સુધીની ગાંધી સ્મૃતિની સફરમાં આઝાદીના 50 વર્ષ નિમિત્તે બીજી ઓક્ટોબરના રોજ સરકારે 50 ટકા વળતર આપ્યું હતું. જેને પગલે એક જ દિવસમાં 12 લાખ જેવી રકમની આવક ગાંધી સ્મૃતિએ મેળવી હતી. જો કે તાજેતરમાં ત્યારબાદનો આંકડો અઢી લાખનો છે.
ખાદી બનાવનારાઓએ લગાવી બ્રેક
ભાવનગર ગાંધી સ્મૃતિના મેનેજર ભુપેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ખાદીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ઘટી ગયું છે, અને બ્રેક લાગી છે. જો કે તેની પાછળનું કારણ ખાદી બનાવતા કારીગરોને દિવસ દરમિયાન જે મહેનત કરે છે, તે પ્રમાણે મહેનતાણું નહીં મળવાનું કારણ સામે આવ્યું છે, જેથી કારીગરો ઓછા થયા છે. પરંતુ હાલમાં નવીનીકરણમાં મશીન ઉપર ઝીણા સુતર ઉપર કામ થઈ રહ્યું છે જેથી ખાદી ઉપલબ્ધ છે.
કેવી રીતે બની ગઈ ખાદી હાઇપ્રોફાઇલ
ખાદી ગ્રામ ઉદ્યોગના મેનેજર ભુપેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલ આપણી પાસે મધ્યમ વર્ગથી લઈને હાઈ પ્રોફાઈલ સુધીના લોકો માટેની ખાદી છે, જેમાં 150થી લઈને 450 રૂપિયા સુધીની મીટર ખાદી મળી રહે છે. ખાદીમાં અનેક નવીનતા આવી છે અને લોકો તેની માંગ પણ કરે છે. જો કે યુવાનો પણ ધીરે ધીરે નવી ખાદીને પગલે આકર્ષાયા છે. ખાદીમાં શર્ટ, ઝભો, હાથ રૂમાલ, ગાંધી ટોપી અને ખાદીના ડ્રેસ અને કાપડ પણ તૈયાર થઈ રહ્યા છે.