છોટાઉદેપુર : આદિવાસી પુરુષોનું વસ્ત્ર કસોટા લુપ્ત થવાના આરે પહોંચ્યું ત્યારે આદિવાસી અકાદમીએ લુપ્ત થતી કલાને બચાવવા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આજે આ હેન્ડલૂમ કસોટાનું 1,500 થી 2,000 રૂપિયામાં જાપાન, ઇંગ્લેન્ડ અને અમેરિકા સહિતના દેશોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જાણો કેવી છે આદિવાસી સમાજની પરંપરાગત વણાટ કલા "કસોટા"...
આદિવાસી પુરુષોનું વસ્ત્ર "કસોટા" : આજથી 45-50 વર્ષ પહેલા છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદે વસતા રાઠવા, ભીલ, ભીલાલા જાતિના પુરુષો મોટા ભાગે "કસોટા" નામનું વસ્ત્ર પહેરતા હતા. પરંતુ સમયના બદલાવ સાથે મીલમાં બનેલા રેડીમેડ સસ્તા કપડાં બજારમાં આવતા કસોટા ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ઘરમાં જ હાથશાળમાં કસોટાનું વણાટ કામ કરતાં વણકરોનો હુન્નર બંધ થતાં વણકરો બેકાર બન્યા અને અન્ય કામોમાં લાગ્યા.
વિસરાઈ ગયેલા "કસોટા"નું પુન: ઉત્થાન : લુપ્ત થવાના આરે પહોંચેલી આદિવાસી સમાજની પરંપરાગત વણાટ કલાના પુન: ઉત્થાન માટે આદિવાસી અકાદમી આગળ આવી. આદિવાસી અકાદમીના ડૉ. મદન મીનાએ કસોટાનું વણાટ કામ કરતાં વણકરોનો સર્વે કરાવ્યો, જે સર્વે માં 40 જેટલા વણકરો મળી આવ્યા, જેમને તેજગઢ આદિવાસી અકાદમી ખાતે બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી. અંતે કસોટાનો હેન્ડલુમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
આદિવાસી અકાદમીનો કાબિલેદાદ પ્રયાસ : આદિવાસી અકાદમી ખાતે "લખારા" નામનો એક વિભાગ શરૂ કર્યો, જેમાં પાંચ જેટલી હાથશાળ ઉભી કરવામાં આવી. બીજી તરફ કોરાજ ગામના એક ખેતરમાં દેશી કપાસ અને ઈન્ડિગોનું (ઝિમટી) વાવેતર શરુ કરવામાં આવ્યું. કસોટાના વણાટ માટે દેશી કપાસમાંથી રૂ કાંતી, રેંટિયા વડે દોરા બનાવવાનું શરૂ કર્યું અને ઈન્ડિગો અને ફૂલોમાંથી કલર બનાવવાનું શરૂ કરી "કસોટા" વણાટ કામ શરૂ કરવામાં આવ્યુ.
આધુનિક ટચ સાથે મળી વૈશ્વિક ઓળખ : આજના આધુનિક યુગની ડિઝાઇન મુજબના હેન્ડલુમ કસોટાનું ઉત્પાદન શરુ કર્યું અને ઉત્પાદન થયેલા હેન્ડલુમ કસોટા આંતરવસ્ત્ર તરીકે ઉપયોગ નહીં કરતા સ્ત્રીના દુપટ્ટા અને પુરુષના મફલર (ગમછા) તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. તેજગઢની હાથશાળમાં કોઈ પણ કેમિકલ વગર ઉત્પાદન થયેલ હેન્ડલુમ કસોટાની જાપાન, ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં પણ માંગ ઊભી થઈ. આજે એક કસોટાનું 1,500 થી 2,000 રૂપિયાના ભાવે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રોજગાર સાથે મળી લુપ્ત હસ્તકલા ઊંચાઈ : તેજગઢની હાથશાળમાં કામ કરતા પ્રવીણભાઈ રાઠવા ફૂલો, ઈન્ડિગોમાંથી વિવિધ કલર બનાવવાનું કામ કરે છે. જ્યારે ગોવિંદભાઈ વણકર અને રતનભાઈ વણકર બે સગા ભાઈઓ કસોટા કાંતવાનું કામ કરે છે. આ સાથે ધનલક્ષ્મીબેન તડવી, વિહારિકા રાઠવા અને સરસ્વતી રાઠવાએ પણ ફેશન ડિઝાઇનરની જેમ જ કસોટા, રૂમાલ, શર્ટ અને સલવાર બનાવી રોજગારી મેળવવાની સાથે લુપ્ત થયેલી હસ્તકલાને નવી ઊંચાઈએ લઈ જઈ આગવી ઓળખ ઉભી કરી છે.
- તેજગઢની હાથશાળથી ફેશન શોના રેમ્પ સુધીની સફર
ભારત સરકારના કાપડ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી કન્નુર કેરળની ડિઝાઇન વિદ્યાર્થી કલ્યાણી પ્રસાદ ઇન્ટરશીપ માટે તેજગઢ આવી અને "કસોટા" ની થીમ પર કેરળના કુન્નુર ખાતે "ફેશનોવા શો 2024" માં ખિતાબ મેળવ્યો.

કેરળની વિદ્યાર્થીનિ બની મહત્વપૂર્ણ કડી : ટેક્સટાઇલ ક્ષેત્રે ફેશન ડિઝાઈનરમાં ગ્રેજ્યુએશન કરી રહેલ વિદ્યાર્થીનિ કલ્યાણી પ્રસાદે કસોટાને વિવિધ પ્રકારના લૂક આપ્યા. જેમાં કસોટાના મૂળ રંગરૂપ કરતા આધુનિક યુગમાં લોકોને પસંદ આવે તેવા કોટન અને બનાના ફાઇબરના રેસામાંથી વિવિધ કલરના દોરા બનાવ્યા. ઉપરાંત 20 થી વધુ વણાટ કામના કારીગરો પાસે કસોટા બનાવવાનું કામ તેજગઢની આદિવાસી અકાદમી ખાતે કર્યું.

કેરળમાં વાગ્યો છોટાઉદેપુરનો ડંકો : કેરળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની વિદ્યાર્થીનિ કલ્યાણી ફેશન ડિઝાઇનર છે. કલ્યાણી પ્રસાદે જણાવ્યું કે , હું કેરલની છું અને ટેક્સટાઇલ ક્ષેત્રે ફેશન ડિઝાઇનરમાં ગ્રેજ્યુએશન કરી રહી છું. મને ટ્રાઈબલ વસ્ત્રો પર ફેશન ડિઝાઇનર તરીકે કામ કરવાનો ખૂબ શોખ છે. મને જાણવા મળ્યું કે છોટાઉદેપુરની આદિવાસી અકાદમી ખાતે કસોટા પર રિસર્ચ થઈ રહ્યું છે, આથી હું છેક કેરલાથી અહીં આવી છું.

કસોટાના અસ્તિત્વ સામેના પડકારો : તાજેતરના વર્ષોમાં કસોટા વણાટને તેના અસ્તિત્વમાં પડકારોનો સામનો કરવો પડ્યો. આધુનિકીકરણ અને ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે પરંપરાગત હેન્ડલૂમ કાપડની માંગમાં ઘટાડો થયો છે. તેમ છતાં આ પડકારો વચ્ચે આ પ્રાચિન હસ્તકલાને સાચવવા અને તેને પુનર્જીવિત કરવા માટે સમર્પિત વ્યક્તિઓના પ્રયત્નો દ્વારા આશાનું કિરણ ચમક્યું છે.