ભાવનગર : હિન્દુ ધર્મની આસ્થા દેવી દેવતાઓ રહ્યા છે, જેના નામે રાજકીય ક્ષેત્રે મત માંગી સત્તા ભોગવવામાં આવે છે. જોકે વર્ષોથી શહેરના મુખ્ય બજારમાં સ્થિત મંદિર વિશે તંત્રને માહિતી જ નથી. એક અરજદારે જ્યારે મંદિર ફરતે દબાણ હોવાની અરજી કરી ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. આથી અરજદારે ગોલમાલની શંકા હોવાનું જણાવીને CBI તપાસની માંગ કરી છે. જોકે હવે નેતાઓ મેદાનમાં ઉતરી આ મંદિરને બચાવે તેવી જનતા આશા સેવાઇ રહી છે, જુઓ સમગ્ર મામલો...
ભાવનગરનું પૌરાણિક મંદિર : ભાવનગરનું વર્ષો જૂનું કાશી વિશ્વનાથ મંદિર અમારા ધ્યાને ત્યારે આવ્યું જ્યારે એક અરજદારે મંદિરના દબાણને પગલે કલેકટર અને કમિશનરને ત્રણ મહિલા પહેલા પુરાવા સાથે દસ્તાવેજો આપ્યા હતા. આ અરજદાર દિલીપભાઈ ચુડાસમાની અમે મુલાકાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, આ મંદિર અંદાજે 5 હજાર વર્ષ જૂનું છે. ભાવનગરના ખારગેટ જ્યારે દરિયો હતો, ત્યારથી આ મંદિર હોવાનું અનુમાન છે. જોકે મંદિરમાં ચારથી પાંચ જેટલી સમાધિ છે, જેમાં એક તખતી છે અને તેમાં સવંતની સાલ 240 વર્ષની છે. આ સમાધી ખાખી બાવાની અઘોરીની છે. મતલબ કે પાંચ હજાર વર્ષ જૂની જરૂર હશે.
આ મંદિરને અને આ સ્થળને બચાવવા અમે ઘણા દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છીએ. જુદી જુદી સરકારી કચેરીના વિભાગોમાં અમે રજૂઆત અને અરજી કરી છે. રાજકોટ અને સુરત જેવી ઘટના જે બની છે, ત્યારે અહીંયા મંદિરની આજુબાજુમાં ઊંચા સ્ટીલ ઉપર સ્ટ્રક્ચર કરીને બિલ્ડીંગ ઉભા કરી દેવામાં આવ્યા છે. કોઈ ઘટના બને તો અંદર ફાયર વિભાગ પણ આવી શકે નહીં એટલું દબાણ છે. -- દિલીપભાઈ ચુડાસમા (અરજદાર)
દબાણ વચ્ચે ગૂમ મંદિરની સ્થિત : ભાવનગરના ઘોઘા ગેટ ચોકમાંથી વોરા બજારમાં ચાલો એટલે પીરછલ્લા શેરીના ખાચા બાદ બે-ત્રણ દુકાન પછી નાનકડી ગલી આવે છે. જેમાં અંદર જતા મંદિર આવે છે. અરજદાર દિલીપભાઈએ જણાવ્યું હતું કે મંદિરની આજુબાજુમાં ત્રણથી ચાર માળનું બાંધકામ થઈ ગયું છે. મંદિરની જગ્યામાં દબાણ થયું છે. આ મંદિર મામલતદાર હસ્તકનું છે, જેને પગલે રાજકોટ વાળી થાય નહિ માટે કલેકટર અને કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્રએ ધ્યાન આપ્યું નથી. મંદિરે આવવા માટે માત્ર સ્કૂટર ચાલી શકે તેવી ગલી છે, તો ફાયરનું વાહન કઈ રીતે ચાલે.
મામલતદારની મુલાકાત કરતા થયો મોટો ખુલાસો :
ETV Bharat ની ટીમ સીટી મામલતદાર કચેરીએ મળવા પહોંચી તો સીટી મામલતદાર વી. એન. ભારાઈ હાલમાં નવા નિમાયા છે, માટે તેઓ આ મામલે અજાણ હતા. આથી જૂની કચેરીમાં ફરજ બજાવતા મહિલા ડેપ્યુટી મામલતદાર અને અન્ય ડેપ્યુટી મામલતદાર સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, સીટી મામલતદારને 22 મંદિરની જવાબદારી સોંપી છે અને તેમાં કાશી વિશ્વનાથ મંદિર છે જ નહીં. તેમના તરફથી કાશી વિશ્વનાથ મંદિર માજીરાજવાડીમાં આવેલું મંદિર બતાવ્યું. જોકે ત્યાં મંદિરનું બોર્ડ મોજેશ્વર મહાદેવ લખેલું છે. આથી અમે પાછા અરજદાર પાસે પહોંચ્યા.
અરજદારે આપ્યા ચોંકાવનારા પુરાવા :
ETV Bharat ની ટીમ જ્યારે અરજદાર દિલીપભાઈ પાસે પહોંચી અને કહ્યું તમારી પાસે શું પુરાવા કે આ મંદિર સીટી મામલતદાર હસ્તકનું છે ? ત્યારે દિલીપભાઈએ એક ફાઈલ કાઢી અને મંદિરને પગલે સીટી મામલતદારને કરેલી અરજી બતાવી હતી. જેમાં સીટી મામલતદારે તેમની અરજીનો જવાબ પણ આપ્યો હતો. તેમાં પણ કાશી વિશ્વનાથ મંદિર ઘોઘાગેટ ચોક પાસે કરીને ઉલ્લેખ કર્યો હતો. મતલબ કે મંદિર મામલતદાર કચેરી હસ્તક હોય તો જ અરજીમાં તે રીતે જવાબ કચેરી તરફથી લેખિતમાં મળી શકે.
જોકે વધુમાં અરજદાર દિલીપભાઈને પૂછ્યું કે જમીન કોના નામે કોઈ પુરાવા છે ? તો તેમને પુરાવો બતાવ્યો કે સીટી સર્વે કચેરીમાંથી તેમને માહિતી મેળવી તો આવો જવાબ આપ્યો છે. સીટી સર્વે કચેરીએ લેખિતમાં જણાવ્યુ હતું કે, આ જમીનની માલિકી મણીબેન ગોરધનભાઈના નામે છે. જોકે મણીબેન ગોરધનભાઈ પાસે દસ્તાવેજી પુરાવા નથી. અરજદાર પાસે 26 મંદિરોનું લિસ્ટ છે, જે સીટી મામલતદાર કચેરી હસ્તક છે અને તેમાં કાશી વિશ્વનાથ મંદિર છે. ત્યારે હવે આ મંદિર મામલતદાર કચેરીના લિસ્ટમાંથી કેવી રીતે નીકળી ગયું ? આ સવાલનો જવાબ મળતો નથી.
જિલ્લા કલેકટરે શું કહ્યું જુઓ :
જોકે બાદમાં ETV Bharat ની ટીમ કાશી વિશ્વનાથ મંદિરના મામલે કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટર આર. કે. મહેતા સાથે મૌખિક વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અંદાજે 3000 જેટલા પાનાનો એક દસ્તાવેજી પુરાવો અરજદાર દ્વારા આપવામાં આવ્યો છે. જેનું અધ્યયન કરવું જરૂરી બની જાય છે. માટે તેમને તે સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા પ્રાંત અધિકારીને આપ્યા છે. જે તેનું અધ્યયન કરીને તમને જવાબ આપી શકે છે.
સરકારી ચોપડે કોઈ રેકોર્ડ જ નથી !
ETV Bharat ની ટીમ કલેકટર સાહેબની સાથે મુલાકાત કરી તે દિવસે પ્રાંત અધિકારી ઉપલબ્ધ નહોતા. આથી બીજા દિવસે તેમની મુલાકાત કરવામાં આવી ત્યારે પ્રાંત અધિકારી હિતેશ ઝણકાટે જણાવ્યું કે, મંદિર બાબતે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મંદિર સરકાર હસ્તકનું છે. જે અરજીને અત્રેની કચેરી સર્વે મામલતદાર ઓફિસ પાસે રિપોર્ટ મંગાવ્યો અને એમને જે RMD, PWD તમામ વિભાગો પાસે પ્રાથમિક રીતે જે 1970 ની આસપાસ કાયદા વિભાગને મામલતદારના 26 થી 27 મંદિરોની સોંપણી કરી છે, તેમાં આ અરજી પ્રમાણેનું મંદિર યાદીમાં નથી. એટલા માટે અમે ફરીથી તપાસ માટે લખ્યું છે.
અરજદાર દ્વારા વધુ આધાર પુરાવા રજૂ કરવા જણાવેલ હતો. ઇલેક્શન પહેલા અરજદારે મોટા પ્રમાણમાં પુરાવા રજૂ કરેલ છે, એટલે અમારે તેનો અભ્યાસ થઈ શક્યો નથી. અરજદારની વધારાની જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને સંબંધિત વિભાગ પાસેથી અમે ફરીથી તપાસણી કરાવી અને શું હકીકત છે તે વિશેષ ખરાઈ કરવામાં આવશે.
અરજદારે કરી CBI તપાસની માંગ :
ભાવનગરના કાશી વિશ્વનાથ મંદિરને લઈને અરજદારે અંદાજે 3000 જેટલા પાનાનો રિપોર્ટ કલેક્ટરને સોંપેલ છે. જોકે તંત્ર ચૂંટણી હોવાને પગલે સમય નહીં હોવાથી તેનો અભ્યાસ થઈ શક્યું નથી. એટલે કે સીટી મામલતદાર અને પ્રાંત અધિકારી જેની પાસે દસ્તાવેજી પુરાવો છે તેને પણ ખ્યાલ નથી કે મંદિરમાં હક્ક કોનો છે. જોકે અરજદારનું કહેવું છે કે, CBI તપાસ કરવામાં આવે તો આ જમીન દબાવવા પાછળ કોણ કોણ છે તે સામે આવી શકે છે.
વણઉકેલાયેલ પ્રશ્ન : હાલમાં પણ મંદિરની જગ્યામાં દબાણ થઈ ચૂક્યું છે. જોકે રજવાડા સમયના આવા અનેક મંદિરો છે જે આ પ્રકારના દબાણના ભોગ બનેલા છે. ETV BHARAT ની તપાસના અંતે પણ મંદિરની જમીન કોની તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મંદિરમાં આસ્થા ધરાવનાર લોકોને આશા છે કે તંત્ર અને સરકાર એક ડગલું આગળ ચાલીને હિંદુ ધર્મના આસ્થા સમાન મંદિરના હકમાં નિર્ણય કરે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ભાવનગરને રજવાડાએ આપેલા મંદિરોની ઉપેક્ષા થઈ રહી છે અને સ્થાનિક નેતાઓ હાથ ઉપર હાથ દઈને બેઠા છે.