સુરત : આમ તો સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પગ મૂકવા પહેલા ભયભીત થઈ જાય છે, પરંતુ સુરત શહેરમાં એક એવું પોલીસ સ્ટેશન છે જ્યાં જઈને કલાકો બેસવાનું મન ચોક્કસથી થશે. કારણ કે આ પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. સુરતમાં સ્થિત કાપોદ્રા પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે હાલ ઓળખવામાં આવી રહ્યું છે.
ગ્રીન પોલીસ સ્ટેશન : સુરત શહેરમાં સ્થિત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સામાન્ય રીતે અન્ય પોલીસ સ્ટેશનની જેમ તમામ પ્રકારની કાર્યવાહી થતી હોય છે. પરંતુ અહીંનું વાતાવરણ અન્ય પોલીસ સ્ટેશન કરતા અલગ જ છે, કારણ કે આ પોલીસ સ્ટેશન સંપૂર્ણ રીતે ગ્રીન પોલીસ સ્ટેશન છે. જ્યાં ચારે બાજુ સ્વચ્છતા અને હરિયાળી નજર આવશે.
કાપોદ્રા પોલીસ સ્ટેશન : કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરી પોલીસ સ્ટેશનને ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનને ગ્રીન અને ક્લીન બનાવવાની માવજત કરવામાં આવે છે. સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન મોડેલ પોલીસ સ્ટેશન તરીકે પરિવર્તિત કરવામાં આવ્યા છે. જેના કારણે અહીં આવનાર લોકો પણ માનસિક રીતે સારું અનુભવ કરે છે.
પર્યાવરણ પ્રેમી સાથે મળીને શરૂઆત : આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ. બી. ઔસુરાએ જણાવ્યું કે, એક વખત અમે પોલીસ સ્ટેશન વિસ્તારને ડ્રોન કેમેરાથી જોઈ રહ્યા હતા, ત્યારે લાગ્યું કે આ ખૂબ જ ખૂબસૂરત પોલીસ સ્ટેશન છે. ઉપરાંત વૃક્ષોથી ઘેરાયેલું છે, જેથી તેને વધુ ઇકોફ્રેન્ડલી બનાવવા માટે એક વિચાર આવ્યો. અમે સુરતના પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ સાથે મળીને કાપોદ્રા પોલીસ મથકને વધુ પર્યાવરણ અનુલક્ષી બનાવવાની કવાયત શરૂ કરી.
પોલીસકર્મીઓ માટે તણાવમુક્ત વાતાવરણ : એમ. બી. ઔસુરાએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં બિન ઉપયોગી ડબ્બાઓ, વાહનો, વેસ્ટેજ ટાયરો અને અન્ય વસ્તુઓ જોવા મળે છે. લોકોને અહીં આવીને સકારાત્મક અને પર્યાવરણ લક્ષી અનુભવ થાય આ માટે પહેલા અમે આ તમામ વસ્તુઓ પોલીસ સ્ટેશનથી દૂર કરી. પોલીસ સ્ટેશનની અંદર વેલા અને વૃક્ષ ઉછેરવાની શરૂઆત કરી. પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ આ વૃક્ષની માવજત કરવાની વાત કરી છે. ગ્રીન પોલીસ સ્ટેશનના કારણે અહીં પોલીસકર્મીઓ પણ તણાવ મુક્ત અનુભવ કરતા હોય છે.
વેસ્ટમાંથી બન્યું બેસ્ટ : એમ. બી. ઔસુરાએ જણાવ્યું કે, અમે આ પોલીસ સ્ટેશનની અંદર વેસ્ટ મટીરીયલથી પક્ષીઓ માટે ખાસ માળા બનાવ્યા છે, જે વૃક્ષો પર લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ સાંજે અહીં આવે છે. કલરવથી નજીકના તમામ વિસ્તાર ઉર્જા સભર બની જાય છે. કોઈ અરજદાર અહીં પ્રવેશ કરે ત્યારે તેને હરિયાળી અને સ્વચ્છતા નજર આવે છે.