જુનાગઢ : જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું રવની ગામ પિતા પુત્રની બેવડી હત્યાથી ખડભડી ઉઠ્યું છે ગત મોડી રાત્રિના સમયે રવની ગામના રફીક અને જીસાન સાંધની અજાણ્યા હુમલાવરોએ ગોળી ધરબી દઈને હત્યા કરી નાખી છે. નાના એવા ગામમાં બેવડી હત્યાથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેવડી હત્યાના બનાવથી વંથલી પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બેવડી હત્યામાં અગાઉની હત્યા કારણભૂત વર્ષ 2023ના આઠમા મહિનામાં રવની ગામમાં આ જ પ્રકારે એક હત્યા કરવામાં આવી હતી. જેની બાતમી ગઈકાલે હત્યા કરવામાં આવેલા જીશાન દ્વારા આપવામાં આવી હોવાના મનદુઃખને કારણે ગઈકાલે રાત્રે જીશાનની સાથે તેના પિતા રફીક સાંધની પણ હુમલાવરોએ આડેધડ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃતક પિતા પુત્ર રવની નજીક આવેલા તેમના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના 9:00 થી 10:00 વાગ્યાના અરસામાં હુમલાખોરોએ બંનેની હત્યા કરીને પલાયન થઈ ગયા છે.
રવની હત્યાના બદલામાં હત્યાથી કુખ્યાત જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું રવની ગામ હત્યાના બદલામાં હત્યાથી પાછલા પાંચેક વર્ષથી એકદમ કુખ્યાત બની રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં ચાર કરતાં વધુ હત્યા નીપજાવામાં આવી છે. જેની પાછળ આગળની હત્યાનો બદલો લેવાનુ કારણ પણ સામે આવ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે. પરંતુ જે રીતે નાનું એવું રવની ગામ હત્યાના બદલામાં હત્યાથી કુખ્યાત બની રહ્યું છે જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે શોકની સાથે ચિંતાનું વાતાવરણ પણ જોવા મળે છે.