જૂનાગઢ : યુવાનો પણ શરમાવે એવું એક સાહસ જૂનાગઢના ત્રણ આધેડ બાઈકર્સે કર્યું છે. જૂનાગઢના બીપીનભાઈ, વરજંગભાઈ અને જયસુખભાઈ આજથી ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રા પર બાઈક સાથે નીકળ્યા છે. તેઓ અંદાજે 30 દિવસમાં 9 હજાર કિલોમીટરનું અંતર કાપશે અને યાત્રા પૂર્ણ કરશે.
જૂનાગઢની પરંપરા : આજથી 20 વર્ષ પૂર્વે 6 બાઈક સવાર દ્વારા 12 જ્યોતિર્લિંગ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે બે-ત્રણ બાઈક સવારો 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પર જૂનાગઢથી સતત નીકળી રહ્યા છે. ત્યારે આ વર્ષે જૂનાગઢના બીપીનભાઈ, વરજંગભાઈ અને જયસુખભાઈ આજે બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પર નીકળ્યા છે. વહેલી સવારે ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને આ યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા : જૂનાગઢના ભુતનાથ મંદિરેથી 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે ત્રણેય યાત્રીઓના મિત્ર મંડળ અને પરિવારજનોએ ત્રણેય બાઈક સવારોને યાત્રાની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થાય તે માટે આશીર્વાદ પાઠવ્યા હતા. અંદાજિત 30 દિવસમાં 9 હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરીને આ ત્રણેય બાઈક સવારે તેમની આ યાત્રા પૂર્ણ કરશે. આ ત્રણેય બાઈકર્સ પોતાની યાત્રાની શરૂઆત સોમનાથથી કરશે.

ભૂતનાથ મહાદેવથી યાત્રાની શરૂઆત : યાત્રા શરૂ થતા પૂર્વે જ ત્રણેય બાઇકસવારે ભૂતનાથ મહાદેવના દર્શન કરીને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ ત્રણેય બાઈકસવારનો જુસ્સો વધે અને તેની સફળતામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે અમરનાથ યાત્રા સંઘ અને તેમના પરિવારજનોના દ્વારા ત્રણેય બાઈકસવારોને આશીર્વાદ આપ્યા હતા.
30 દિવસમાં 9 હજાર કિમીની યાત્રા : બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા 9000 કિલોમીટરનું અંતર કાપીને પૂર્ણ થશે. બાઈક સવારો દ્વારા પ્રતિ દિવસ 300km નું અંતર કાપવાનું આયોજન કરાયું છે, જેથી સમયસર યાત્રા પૂરી થાય. ઉપરાંત ચોમાસાના દિવસોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પણ આયોજન કરાયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી આ યાત્રાની શરૂઆત થશે અને યમુનોત્રી ખાતે યાત્રા વિધિવત રીતે પૂર્ણ થશે. ત્યારબાદ આ ત્રણેય બાઈકર્સ પરત જૂનાગઢ આવવા રવાના થશે.