જૂનાગઢ: ગીર વિસ્તારના જૂનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકોઝોનનો કાયદો લાગુ કરવાને લઈને ભારત સરકાર દ્વારા નોટીફિકેશન જાહેર કરાયું છે. સરકારનું નોટિફિકેશન જાહેર થતા જ ખેડૂતો, ગામ લોકો, સરપંચો અને સહકારી સંસ્થાઓમાં વિરોધ જોવા મળ્યો છે. ત્યારે આજે મેંગો માર્કેટિંગ યાર્ડ તાલાલા એ પણ ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માંગ કરી છે.
ઇકોઝોનના વિરુદ્ધમાં તાલાલા માર્કેટિંગ યાર્ડ
કેન્દ્ર સરકાર ગીર વિસ્તારના જૂનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકોઝોનની અમલવારી લાગુ કરવાને લઈને ગેજેટ નોટિફિકેશન જાહેર કરતા જ ગ્રામ પંચાયતો, અસરગ્રસ્ત ગામના લોકો અને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઈકોઝોનનું નોટિફિકેશન જાહેર થતા જ કેટલાક ગામોમાં ધરણા આંદોલનની પણ શરૂઆત થઈ છે. આવી પરિસ્થિતિની વચ્ચે મોટાભાગની ગ્રામ પંચાયતો, સહકારી સંસ્થાઓ, સ્થાનિક તમામ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેમાં આજે તાલાલા માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું છે
મેંગો માર્કેટિંગ યાર્ડ કર્યો ઠરાવ
ગીરમાં આવેલું તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડ એકમાત્ર કેરીની હરાજી માટે જ બનાવવામાં આવ્યું છે. અહીં કેરીની હરાજી સિવાય અન્ય કોઈ કૃષિ જણશોની હરાજી કરવામાં આવતી નથી. ત્યારે મેંગો માર્કેટિંગ યાર્ડે પણ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરોએ તાકીદની બેઠક બોલાવીને સર્વાનુમતે ઇકોઝોનનો કાયદો કેન્દ્રની સરકાર પરત ખેંચે તેવો ઠરાવ કરીને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોના સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સહકારી સંસ્થાઓ ગ્રામ પંચાયતો અને તમામ રાજકીય પક્ષના મોટા આગેવાનો પૂર્વ ધારાસભ્યોએ પણ ઇકોઝોનનો કાયદો પરત ખેંચવાની માંગ કરી છે. જેમાં આજે માર્કેટિંગ યાર્ડ જેવી સહકારી સંસ્થા પણ જોડાઈ છે. જેથી ઇકોઝોનના કાયદાની લડતને આગામી દિવસોમાં વધુ વેગ મળતો પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો:
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી: ભાજપની સેન્સ પ્રક્રિયા લોહાણા સમાજની વાડી ખાતે યોજાઈ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 300 લોકોને ફુડ પોઈઝનિંગની અસરઃ રબારી સમાજના પ્રસંગમાં બની ઘટના