જૂનાગઢ: આજે વહેલી સવારથી જ સોમનાથ નજીક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાકા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વહેલી સવારે 5:00 વાગે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નવ જેટલા ધાર્મિક દબાણ, કુલ ઘર અને દુકાનો મળીને 45 જેટલા પાકા બાંધકામો કે જે સરકારી જમીન પર હતા તેને દૂર કર્યા છે જેમાં 15 હેક્ટર જેટલી સરકારી જમીન ખુલ્લી થવા પામી છે આ ખુલ્લી કરેલી જગ્યાની બજાર કિંમત અંદાજિત 60 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે.
સર્વે નંબર 1851 અને 1852માં કામગીરી: આજે જે સર્વે નંબર 1851 અને 1852 પર સરકારી જમીનમાં દબાણ હોવાનું સામે આવતા તેને દૂર કરવામાં આવ્યું છે સમગ્ર દબાણ દૂર કરવાની કામગીરીમાં 58 જેટલા જેસીબી મશીન, 4 હિટાચી, 5 ડમ્પર, 52 ટ્રેક્ટર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટરની મદદ વડે સવારે પાંચ કલાકથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હવે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર અથવા તો પોલીસવડા સમગ્ર કાર્યવાહીને લઈને માધ્યમને કોઈ વિગતો આપે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી: આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 1 રેન્જ આઈજી, 3 જિલ્લાના પોલીસવડા, 4 વિભાગીય પોલીસ અધિક્ષક, 12 જેટલા પીઆઈ, 24 જેટલા પીએસઆઇની સાથે 788 જેટલા એસઆરપી અને પોલીસ જવાનોની મદદ લેવામાં આવી હતી. દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 135 લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે. હાલ બિલકુલ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવો વગર દબાણ હટાવવાની કામગીરી ચાલતી જોવા મળે છે.
આ પણ વાંચો: