જૂનાગઢઃ સાસણ સિંહ સદન નજીકથી જૂનાગઢ એસઓજીએ 90 ગ્રામ ચરસ સાથે માંગરોળના 2 ઈસમોને ઝડપ્યા છે. એસઓજીને આ બંને વિશે ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે વોચ ગોઠવીને બંનેને ચરસ સાથે ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ જૂનાગઢ પોલીસે આજે સાસણ સિંહ સદન નજીકથી 2 યુવાનોને ચરસના જથ્થા સાથે પકડી પાડ્યા છે. કાળા રંગના બાઈક પર 2 યુવાનો ચરસના જથ્થા સાથે પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે મળેલી પૂર્વ બાતમીને આધારે સાસણ નજીકથી કાળા રંગના બાઈક પર પસાર થઈ રહેલા 2 યુવકોને અટકાવીને પૂછપરછ કરી હતી. તેમની પાસેથી 90.09 ગ્રામ ચરસ મળી આવતા પોલીસે બંને યુવાનની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને રીક્ષા ડ્રાઈવર્સઃ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધેલ સલીમ હુસેન પંજા અને શકીલ જેઠવા બંને માંગરોળના રહેવાસી છે અને રીક્ષા ડ્રાઈવર્સ છે. આ બંને પાસેથી 13,635 રૂપિયાની ચરસ 810 રૂપિયા રોકડ, બાઈક તેમજ મોબાઈલ એમ કુલ મળીને રુ. 45, 000 કરતાં વધુનો મુદ્દામાલ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે.
આરોપીઓના કનેક્શનની તપાસઃ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આજે 2 યુવાનોને ચરસ સાથે ઝડપી પાડ્યા છે. તેમની તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે. ચરસ કોની પાસેથી આવ્યું અને તે કોને વેચવાનું હતું. તે દિશામાં પણ જૂનાગઢ પોલીસ તપાસ કરી રહી છે. થોડા મહિનાઓ પૂર્વે માંગરોળ બંદર પરથી પણ ચરસનો કેટલોક જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તેના તાર આજે પકડાયેલા આરોપી સાથે જોડાયેલા છે કે કેમ તે તમામ મુદ્દાની તપાસ જૂનાગઢ પોલીસે શરૂ કરી છે. આગામી દિવસોમાં સમગ્ર મામલામાં પોલીસને કોઈ પુરાવા મળે તો વધુ કેટલાક ખુલાસા થઈ શકે તેમ છે.