જૂનાગઢ: કુંભકર્ણ આ પાત્રનું નામ આવતા જ રામાયણના એ મહાકાય રાક્ષસની યાદ આવી જ જાય છે, પરંતુ અમે આજે એક એવા કુંભકર્ણની વાત લઈને આવ્યા છે કે જે રાક્ષસ નહીં પરંતુ ભોજનનો પરમ આનંદ આપવતો કુંભકર્ણ છે. આ વાત છે કુંભકર્ણ થાળની... આ થાળમાં 32 કરતાં વધુ ખાદ્ય આઈટમ સમાવેશ થાય છે. જેની કિંમત 1400 રૂપિયા છે. અહીં જનવન જેવી બાબત એ છે કે, જો કોઈ એક વ્યક્તિ 35 મિનિટમાં આ થાળને પૂર્ણ કરે તો રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા તે વ્યક્તિને 14,000 નું રોકડ ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જુઓ કુભકર્ણ થાળ પર અમારો વિશેષ અહેવાલ...
કુંભકર્ણ રાક્ષસ નહીં ભોજનનો થાળ: કુંભકર્ણ નામ યાદ આવતા જ રામાયણનું એ મહાકાય અને વિકરાળ સ્વરૂપ નજર સમક્ષ તરવરે છે. રાવણના પરિવારનો સૌથી મહાકાય રાક્ષસ એટલે કુંભકર્ણ પણ ચિંતા ના કરતા અમે કુંભકર્ણને ફરી જીવંત કરવાની વાત નથી કરી રહ્યા પણ હા કુંભકર્ણના નામ સાથે બનતો ભોજનનો આખો થાળ આજે આપણી નજર સામે જીવંત જરૂર થઈ જશે.
જૂનાગઢના પટેલ રેસ્ટોરન્ટમાં છેલ્લા આઠ વર્ષથી કુંભકર્ણ થાળ નામની ભોજનની એક આખી ડીશ બની રહી છે જેના ચાહકો સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે. આ ચાહકો જૂનાગઢ આવતાં જ કુંભકર્ણના થાળનો આસ્વાદ માણવાનું ચૂકતા નથી. કુંભકર્ણ થાળીની શરૂઆત વર્ષ 2016માં પટેલ રેસ્ટોરન્ટના પૂર્વ મેનેજર સ્વર્ગસ્થ કૈલાશ સિંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે 32 કરતાં વધુ આઈટમો સાથે એક આખો થાળ ભોજનના રૂપમાં રજૂ કરવામાં આવે છે.
કુંભકર્ણ પોતે આ થાળ ગ્રાહકોને પીરસે છે: નામ કુંભકર્ણ એટલે ભોજનનો થાળ વિશેષ બને, પરંતુ તેની વિશેષતામાં ચાર ચાંદ કુંભકર્ણનું પાત્ર લગાવે છે. કોઈ પણ ગ્રાહક ભોજન માટે આવે અને કુંભકર્ણ થાળનો ઓર્ડર કરે ત્યારે અસલ રામાયણના સમય જેવું દ્રશ્ય રેસ્ટોરન્ટમાં ઊભું થાય છે. કુંભકર્ણની અસલ વેશભૂષામાં રેસ્ટોરન્ટનો કર્મચારી ડમરું વગાડતા કુંભકર્ણ થાળને પ્રસ્તુત કરે છે. રામાયણ કાળની યાદ અપાવતી પ્રસ્તુતિને કારણે પણ કુંભકર્ણ થાળ ગ્રાહકોમાં અને જૂનાગઢની એક વિશેષ ઓળખ પણ બની ગયો છે. આ થાળની બીજી વિશેષતા એ છે કે, છેલ્લા આઠ વર્ષ દરમિયાન કોઈ પણ એક વ્યક્તિ આખો થાળ ખાવામાં આજે પણ સફળ રહ્યો નથી.
કુંભકર્ણ થાળમાં પીરસાથી વાનગીઓ: જેવું નામ તેવી જ વાનગીઓ. કુંભકર્ણ થાળમાં પંજાબી, ગુજરાતી, કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન મીઠાઈ સાથે કુલ 32 કરતા વધુ ભોજનની અલગ અલગ વેરાઈટી પીરસવામાં આવે છે. કોઈ પણ એક વ્યક્તિ 35 મિનિટમાં જો આ થાળની તમામ આઈટમ પૂર્ણ કરે તો રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા તેમને 14,000 નું ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે. પરંતુ આજ દિન સુધી એક પણ ગ્રાહક આ શરત જીતી શક્યો નથી. જો કોઈ વ્યક્તિ 35 મિનિટમાં આ થાળને એકલો ખાવા માટે તૈયાર થાય તો તેમણે લેખિતમાં રેસ્ટોરન્ટ સંચાલકને બાહેધરી આપવાની હોઈ છે ત્યારબાદ આખો થાળ કોઈ પણ એક વ્યક્તિ સમક્ષ ભોજન માટે પીરસવામાં આવે છે.
કુંભકર્ણ થાળની વાનગીઓ: કુંભકર્ણ થાળમાં બે જાતની મીઠાઈ, બાસ્કેટ ચાટ, વેજીટેબલ ટિક્કી, ચટપટા ફરસાણ, ચાઈનીઝ, ક્વીન મેક્સિકન સલાડ, પનીર મસાલા, કાજુ કરી, અમૃતસરી છોલે, વેજ જલફ્રાયજી, કાઠીયાવાડી સ્પેશિયાલિટી, દાલ ફ્રાય, બટર જીરા, રાઈસ સ્પેશિયલ બિરયાની, વેજ રાયતા, હાંડી, બટર મીલ્ટ ,મૈસુરી મસાલા ઢોસા, 8 નંગ પાણીપુરીની સાથે ચાર નંગ પાપડ અને મેથીના પરાઠા, બટર રોટી, બટર કુલચા, બટર નાન અને આઠ ફુલકા રોટલીની સાથે તળેલા મરચા, અથાણું, ડુંગળી અને લીંબુ આ બધું કુંભકર્ણ થાળમાં સામેલ કરીને તેને અસલ કુંભકર્ણનું રૂપ આપવામાં આવે છે.
આ પણ વાંચો: