જૂનાગઢ: 2023 માં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં હિરલબેન મયાત્રા અને હર્ષિતા બાલસ નામની બે મહિલાને સીજેરીયન દ્વારા બાળકોનો જન્મ થયો હતો. પરંતું ઓપરેશન દરમિયાન કેટલીક ક્ષતિઓ રહી જતા બંને મહિલાના મોત થયા હતા. ત્યારે આરોગ્ય વિભાગના આવેલા રિપોર્ટ બાદ આજે આકાશ મયાત્રા દ્વારા હોસ્પિટલ અને મહિલા તબીબો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હોસ્પિટલ અને બે મહિલા તબીબો સામે ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
ખાનગી હોસ્પિટલ અને મહિલા તબીબો સામે ફરિયાદ દાખલ: જૂનાગઢમાં આવેલી હેલ્થ પ્લસ હોસ્પિટલ અને તેમાં કામ કરતી બે મહિલા તબીબો સામે આજે જુનાગઢમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂન 2023 માં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં હિરલ મયાત્રા અને હર્ષિતા બાલશ નામની બે પ્રસુતા બાળકના જન્મ માટે આવી હતી. આ સમયે હોસ્પિટલમાં રહેલી મહિલા તબીબો ડો. ડાયના અજુડીયા અને ડો હેમાક્ષી કોટડીયા દ્વારા બંને પ્રસુતા મહિલાઓના સિઝેરિયન દ્વારા બાળકોને જન્મ કરાવવામાં આવ્યો હતો. બાળકોના જન્મ થયા બાદ બંને પ્રસુતાઓની તબિયત ખૂબ જ ખરાબ થતા તેમને રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં બંને પ્રસુતા મહિલાઓના મોત થયા હતા. તથા મામલો ખૂબ જ ચકચારી બની જતા સમગ્ર મામલાની તપાસ ભાવનગરના આરોગ્ય વિભાગના નાયબ નિયામક અધ્યક્ષતાની બનેલી 11 સભ્યોની કમિટીને સોંપવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવી જતા હિરલ મયાત્રાના પતિ આકાશ મયાત્રા દ્વારા આજે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સિઝેરિયનમાં રાખવામાં આવી બેદરકારી: આરોગ્ય વિભાગના નાયબ નિયામકની અધ્યક્ષતામાં બનેલી 11 સભ્યોની કમિટી દ્વારા પ્રસુતાના મોત બાદ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના તબીબો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઇન્ફેક્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું સંપૂર્ણપણે અને દર્દીની કાળજી રાખવામાં પાલન ન થયું હોવાને કારણે સિઝેરિયન દરમિયાન હિરલ અને હર્ષિત નામની બંને પ્રસુતાઓને કિડનીમાં ખૂબ જ ગંભીર અને આડ અસરો ઊભી થઈ હતી. જેને કારણે આ બંને પ્રસુતાના મોત થયા હશે તેવું રિપોર્ટમાં ટાંકતા આજે ફરિયાદી આકાશ મયાત્રા દ્વારા હોસ્પિટલ અને બે મહિલા તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેને લઇને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
પોલીસે શરૂ કરી તપાસ: પ્રસુતાઓના મોતમાં મહિલા તબીબ અને હોસ્પિટલનું પ્રશાસન જવાબદાર હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને લઈને જુનાગઢ પોલીસે હોસ્પિટલમાં આ સમય દરમિયાન કેટલા દર્દીને સારવાર આપવામાં આવી હતી, કેવા પ્રકારે સારવાર અપાઈ હતી, દવાઓ ઇન્જેક્શન સહિત મેડિકલની કેવી સુવિધાઓ આપવામા આવી હતી, આ સિવાય ઓપરેશનના સાધનોની વ્યવસ્થા ઓપરેશન થિયેટર અને હોસ્પિટલમાં કેવા પ્રકારે કરવામાં આવી હતી. આ સમગ્ર મામલા પર તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. હાલ તો ફરિયાદી આકાશ મયાત્રા દ્વારા આપવામાં આવેલી ફરિયાદને આધારે જુનાગઢ પોલીસે સા અપરાધ ભારતીય દંડ સંહિતાની કલમ નંબર 304, 308 અને 114 મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બે મહિલાઓ હજુ પણ સારવાર હેઠળ: હેલ્થ પ્લસ હોસ્પિટલમાં હિરલ મયાત્રા અને હર્ષિતા બાલાસનુ સિઝેરિયન ઓપરેશન બાદ સારવાર દરમિયાન મોત થયું છે. તો આ જ હોસ્પિટલમાં અન્ય બે મહિલાઓ તૃપ્તિબેન અને મીનાક્ષીબેનની પણ સારવાર કરવામાં આવી હતી. આ બંને મહિલાઓને પણ કિડનીમાં ખૂબ જ ગંભીર અસરો જોવા મળી હતી. હાલ આ બંને મહિલાઓ સારવાર મેળવી રહી છે. ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા મહિલા તબીબો ડાયના અજુડીયા અને હેમાક્ષી કોટડીયાની સાથે હોસ્પિટલ પ્રશાસન સામે પણ ફરિયાદ નોંધીને સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.