જુનાગઢ: જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા હાથ લાગી છે, પોલીસ પર હુમલો, હત્યા અને હત્યાનો પ્રયાસ સહિત પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું વેચાણ કરવાના અલગ-અલગ 107 જેટલા ગુનામાં છેલ્લાં 23 વર્ષથી પોલીસ ચોપડે ફરાર જુનાગઢનો કુખ્યાત ડોન કાળા રાડા આખરે ઝડપાઈ ગયો છે.
23 વર્ષથી હતો ફરાર: રેન્જ આઇજી નિલેશ જાજડિયા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતાની સીધી સૂચના અને દેખરેખ અન્વયે જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે પોલીસ ચોપડે પાછલા 23 વર્ષથી ફરાર આરોપી કાળા રાડાને પકડી પાડીને મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે વર્ષ 2001 માં અપરાધની દુનિયામાં આવેલો કાળા રાડા 2023 સુધી વિવિધ અપરાધોના ગુનામાં પોલીસ ચોપડે ફરાર હતો.
જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા: આજે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બીલખા રોડ પર આવેલ વાડી વિસ્તારમાં રેડ કરતા અહીં કાળા રાડાની હાજરી જોવા મળી હતી પોલીસને જોઈને જ ફરાર થઈ જવાની ફિરાકમાં રહેલા કાળા રાડાને પોલીસે આબાદ ઝડપીને પાછલા 23 વર્ષથી અપરાધ આચરતા અપરાધીને પકડી પાડ્યો છે
107 જેટલા ગુનાઓમાં સામેલ: કાળા રાડાએ વર્ષ 2001માં પહેલો ગુનો આચાર્ય બાદ છેલ્લાં 23 વર્ષમાં કાળા રાડાએ જુનાગઢ શહેર અને તાલુકા વિસ્તારના પોલીસ મથકોમાં 107 જેટલા અપરાધોને અંજામ આપ્યો છે. જેમાં હત્યા અને હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુનાની સાથે દારૂનું વેચાણ અને સી ડિવિઝન પોલીસ ટીમ પર હુમલો કરીને ફરાર થવાનો ગુનાહિત ઈતિહાસ છુપાયેલો છે.
અપરાધી તરીકે બનાવી ઓળખ: કાળા રાડા જૂનાગઢમાં અપરાધી તરીકે પણ ઓળખાતો હતો. ગુના આચરીને આરોપી આઝાદ ફરતા કાળા રાડાની આઝાદી આજે જુનાગઢની પોલીસનીઆંખે ચડી ગઈ હતી અને તેને દબોચીને હવે પોલીસ સ્ટેશનની હવા ખાતો કરી દીધો છે. પોલીસ પકડમાં રહેલા કાળા રાડાને સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપીને સમગ્ર મામલાની તપાસ જૂનાગઢ જિલ્લા પોલીસે શરૂ કરી છે.