જૂનાગઢઃ આકરી ગરમી અને ચોમાસાની શરુઆત વચ્ચે શાકભાજીના ભાવોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. રાજ્યના મોટા ભાગ ના માર્કેટિંગ યાર્ડ અને જે તે મહાનગરોની સ્થાનિક છૂટક બજારમાં પણ શાકભાજીના પ્રતિ એક કિલોના ભાવમાં 20 ટકા કરતાં વધુનો ભાવ વધારો થયો છે. જૂનાગઢ, રાજકોટ અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે તેની પાછળનું એક માત્ર કારણ ઉનાળાની ઋતુ દરમિયાન પડેલી આકરી ગરમી અને મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળુ શાકભાજીનું વાવેતર પૂર્ણ થયું છે તેને માનવામાં આવી રહ્યું છે.
20 ટકાનો ભાવ વધારોઃ તમામ પ્રકારના શાકભાજીમાં 5થી લઈને 20 ટકા સુધીનો વધારો આજે નોંધાઈ રહ્યો છે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ શાકભાજીના છુટક ભાવોમાં વધારો અને આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જેને કારણે ચોમાસા દરમિયાન પણ શાકભાજીના બજાર ભાવ ઊંચા રહે તેવી શક્યતાઓ છે. ગવાર, ભીંડા, ચોળી, રીંગણ, વટાણા, ગલકા, કારેલા, તુરીયાની સાથે પાંદડાવાળા લીલા શાકભાજીના બજાર ભાવો પણ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધારે ભાવોમાં વધારો ગવાર, ચોળી અને ફુલાવર જેવા શાકભાજીમાં જોવા મળે છે.
કયા શાકભાજી થયા મોંઘા?: સમગ્ર રાજ્યમાં હાલ ગવાર, ચોળી, તુરીયા, ભીંડા, કારેલા, ગલકા, ટામેટા, મરચા, લીંબુ, આદુ અને સૂકું લસણ સૌથી વધારે મોંઘા થઈ રહ્યા છે. જૂનાગઢ એપીએમસીના સચિવ હરેશ પટેલે જણાવ્યું હતું કે, ગવાર, ચોળી, લીંબુ, લસણ અને આદુ પ્રતિ એક કિલોના 100 રૂપિયાના બજાર ભાવને પાર કરી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ તુરીયા, ભીંડા, કારેલા, ગલકા, ટામેટા, જેવા શાકભાજી છૂટક બજારમાં 50 રુપિયા કરતા વધુના ભાવે પ્રતિ એક કિલોએ વહેંચાઈ રહ્યા છે.