જૂનાગઢ: સાફો કે પાઘડીને આજે પણ ઠાઠનું પ્રતીક માનવામાં આવે છે. સાફો પહેરેલો કોઈપણ વ્યક્તિ પોતાના માન, સન્માન અને પદમાં ખૂબ ઊંચું હોવાની પરંપરા રાજાશાહીના યુગમાં જોવા મળતી હતી. વિવિધ સારા અને માઠા પ્રસંગોએ પહેરવામાં આવતા સાફા સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કાઠિયાવાડની એક વિશેષ લોક પરંપરા સાથે પણ જોવા મળતા હતા. કોઈ પણ સાફો પહેરેલી વ્યક્તિ સારા કે માઠા પ્રસંગે જઈ રહ્યો છે તેની પ્રતીતિ થતી હતી.
વધુમાં કાઠીયાવાડમાં પ્રત્યેક જ્ઞાતિ માટે એક વિશેષ સાફો પર અનામત રાખવામાં આવતો હતો. ચોક્કસ કલર અને અલગ રીતથી પહેરવામાં આવતો સાફો જે તે વ્યક્તિની જ્ઞાતિ કે તેનું કુળ પણ ઉજાગર કરતો હતો. આવો સાફાનો ઠાઠ અને ઇતિહાસ આજે પણ જોવા મળે છે પરંતુ હવે આધુનિક યુગમાં તે માત્ર રજવાડી શાફાના રૂપમાં જોવા મળી રહ્યો છે.
સાફાનો અલગ ઠાઠ અને ઋતબો આજે પણ બરકરાર: સાફો કે પાઘડી આ પહેરવેશ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડની એક વિશેષ પરંપરા રૂપે સમગ્ર વિશ્વમાં આજે પણ પ્રચલિત છે. વર્ષો પૂર્વે રાજાશાહીના સમયમાં પ્રત્યેક પુરુષ સાફા વગરનો જોવા મળતો ન હતો. આ છે શાફાનો અલગ અને આગવો ઠાઠ. આજે આ રાજાશાહી પરંપરા ઓછી થતી જોવા મળે છે પરંતુ સાફાનો સમય ફરી એક વખત પરત આવી રહ્યો હોય તેવું પણ જોવા મળે છે.
એક સમયે પ્રત્યેક પુરુષના માથા પર અલગ અલગ પ્રકારના અને રંગના સાફા જોવા મળતા હતા. પછી તે તવંગર હોય કે ગરીબ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે કુળની વ્યક્તિ હોય સાફો પુરુષનું એક સન્માન હતું. જે આજે આધુનિક યુગમાં ઓછું થયું છે પરંતુ નવા કલ્ચરમાં સાફો હવે શુભ પ્રસંગમાં ફરી એક વખત દેખાતો થયો છે. જેને કારણે કાઠીયાવાડી પરંપરા ફરી એક વખત જીવંત બનતી જોવા મળી રહી છે.
એક સમયે ભારતમાં 528 રજવાડાઓ હતા. જેમાં 218 પ્રકારે અલગ અલગ સાફા બાંધવાની કે તેને પહેરવાની એક વિશેષ પરંપરા જોવા મળતી હતી. આજે કાળક્રમે 528 રજવાડા પૂર્ણ થયા છે. તેની સાથે કેટલાક પારંપરિક શાફા પહેરવાની કે તેને બાંધવાની રીત પણ દૂર થઈ છે પરંતુ શુભ પ્રસંગોમાં આજે રજવાડી સાફો ચોક્કસ હાજરી પુરાવતો જોવા મળે છે.
પાઘડી કે સાફાની એક વિશેષ પરંપરા: સૌરાષ્ટ્રના સાહિત્યમાં પણ પાઘડીને જ્ઞાતિની પરખ સાથે પણ જોડવામાં આવી છે. પાઘડી પહેરેલો વ્યક્તિ કયા લોકવર્ણનો છે તેની ઓળખ પણ આપી દે છે. ગુજરાતમાં જોવા મળતી અનેક પાઘડી કે સાફાની વિશેષ પરંપરા અને તેમના અલગ અલગ નામે ઓળખાતી હતી. જે પૈકી વડોદરાની બાબાશાહી અને ગાયકવાડી પાઘડી કે સાફો, મોરબીની ઈંઢોણી જેવી ચક્કર ઘાટની પાઘડી, ગોંડલની ચાંચ વાળી, જામનગરની જામશાહી જે ઉભા પૂળા જેવી હોય તે જામસાહેબની વિશેષ ઓળખ પાઘડી થકી થતી હતી, બારાડીની પાટલી વાળી પાઘડી, બરડાની ખૂપાવાળી પાઘડી, ભાલ ઝાલાવાડ અને ઓખા પંથકની આંટી વાળી પાઘડી, સોરઠની ઓળખ એટલે સાદી પાઘડી તેવી જ રીતે ગીરની કુંડાળા ઘાટની પાઘડી આજે પણ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડની આ વિશેષ પાઘડીની પરંપરાને જાળવીને ઉભી છે. ચોક્કસપણે પાઘડીનું પ્રમાણ અને ચલણ આજે પણ ઓછું થયું છે પરંતુ શુભ કે માઠા પ્રસંગે આજે પણ પાઘડી ચોક્કસ પણે અને ખાસ કરીને ગામડામાં જોવા મળે છે.
જૂનાગઢના નવાબ અને બાબી વંશજની પાઘડી: ગોહિલવાડની લંબગોળ એટલે કે ભાવનગરની પાઘડી, પરજીયા ચારણની જાડા ઘા જીલનારી પાઘડી, રબારી અને ભરવાડની ગોળ અને આંટી વાળી પાઘડી, નાના ભરવાડની અવળા આંટા વાળી પાઘડી, જૂનાગઢના નવાબ અને બાબીવંશની બતીવાળી પાઘડી, મેરની પટાદાર અને કપાળે છાજલી રચતી નોખા અનોખા ઘાટની પાઘડી અને સિપાઈઓમાં પહેરવામાં આવતો સાફો પાઘડીઓની એક વિશેષ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતું હતું. આજે આ પ્રકારની પાઘડીનું ચલણ સાર્વત્રિક રીતે ઓછું થયું છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડમાં આજે પણ સારા કે માઠા પ્રસંગે પાઘડી પહેરવાની વિશેષ પરંપરા જોવા મળે છે જે આ તમામ પાઘડીઓનું પ્રતિનિધિત્વ પણ આધુનિક સમયમાં કરતી જોવા મળે છે.
આ પણ વાંચો: