જૂનાગઢ : અયોધ્યામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક વિધિ વિધાન અને પૂજા વિધિ સાથે અયોધ્યામાં સંપન્ન થયો છે. ત્યારે રામ રાજ્યની સ્થાપનાનો સંદેશો આજે જૂનાગઢથી પણ વહેતો થયો છે. શહેરમાં આવેલા પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં 21 કુંડી સર્વ જ્ઞાતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 દંપતિઓએ યજ્ઞમાં આહુતિઓ આપીને અયોધ્યા ખાતે પૂર્ણ થયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરોક્ષ હાજરી આપી હતી.
રામરાજ્યની સ્થાપના : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ દ્વારા સ્થાપિત રામ રાજ્યની ફરી એક વખત પુનઃસ્થાપન સમગ્ર ભારત વર્ષમાં થાય તે માટે આજના આ મહાયજ્ઞાનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ થકી સમગ્ર રાષ્ટ્રમાં એકતા સંપ ભાઈચારો અને સૌનું કુશલ મંગલ થાય તે માટે પણ યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ સનાતન ધર્મમાં પૂજવામાં આવે છે. અત્યારે ભગવાન રામ દ્વારા દર્શાવવામાં આવેલી તમામ મર્યાદાઓ થકી ફરી એક વખત ભારતમાં ત્રેતા યુગ જેવુ રામરાજ્યનું સ્થાપન થાય તે માટે પણ આજનો આ મહાયજ્ઞ ખૂબ જ મહત્વનો બની રહેશે. એક તરફ સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે. અયોધ્યામાં જાણે કે ત્રેતા યુગનો સમય ફરી પુનર્જીવિત થયો હોય તેવા ધાર્મિક વાતાવરણની વચ્ચે સિધ્ધનાથ મહાદેવ મંદિર પણ જાણે કે અયોધ્યાની કર્મભૂમિ બની હોય તે પ્રકારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી.
યજ્ઞના આયોજન પાછળનો હેતુ : યજ્ઞનું આયોજન કરનાર સંજય કોરડીયાએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે યજ્ઞ થકી ફરી એક વખત સમગ્ર ભારત વર્ષમાં રામ રાજ્યની સાથે ભાઈચારો એકતા સંપ અને સૌનું મંગલ થાય તેવી ભગવાન રામની ભાવના સાથે આજના આ યજ્ઞમાં 21 દંપતિઓ જોડાયા હતાં. આહુતિઓ આપીને ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામાં પૂર્ણ થયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામરાજ્યની સ્થાપના માટે પ્રેરક બળ મળી રહે તે માટે પણ આજનો આ યજ્ઞ આયોજિત થયો હતો.