જુનાગઢ : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024 25 સામાન્ય અંદાજપત્ર નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. આ બજેટને સહકારી આગેવાન અને પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે નિરાશાજનક ગણાવ્યું છે. પાછલા 48 કલાક દરમિયાન કેન્દ્ર અને રાજ્યના રજૂ થયેલા બંને પૂર્ણ અને અંશકાલીન બજેટ રાજ્યને વધુ નિરાશામાં ધકેલનાર હોવાનુ જણાવ્યું હતું. આ બજેટથી મોંઘવારી, બેરોજગારી વધશે અને ખેડૂતોની સમસ્યામાં ખૂબ મોટો વધારો થશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.
વીરજી ઠુંમરે બજેટને નિરાશાવાદી કહ્યું : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2024/25 નું સામાન્ય અંદાજપત્ર નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે. એક કલાક અને ત્રીસ મિનિટ સુધી ચાલેલા બજેટ ભાષણમાં નાણાંપ્રધાને કોઈ વિશેષ કરવેરાની જાહેરાત કરી નથી. પરંતુ શિક્ષણ જાહેર માર્ગો હોસ્પિટલ સહિત અનેક વિભાગોમાં નાણાંની ફાળવણી કરી હતી. જેને કોંગ્રેસના સહકારી આગેવાન અને પૂર્વ સંસદ સભ્ય વીરજી ઠુંમરે બજેટને નિરાશાવાદી ગણાવીને રાજ્યની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પાછલા 48 કલાક દરમિયાન કેન્દ્ર અને રાજ્યનુ પૂર્ણ અને અંશકાલીન બજેટ ગુજરાતની સાથે દેશમાં નિરાશા ઉત્પન્ન કરનારું જણાવ્યું હતું. આ પ્રકારના બજેટથી કેન્દ્ર અને રાજ્યના નાણાંપ્રધાને માત્ર વડાપ્રધાનની તારીફમાં પુલ બાંધ્યા હોય તે પ્રકારે બજેટ ભાષણ કરીને રાજ્ય અને દેશને નિરાશામાં ધકેલયા છે.
રાજ્યમાં 44 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. 72,000 પરિવારો પ્રતિ મહિને પાંચ કિલો અનાજ પર જીવન ગુજારી રહ્યા છે. જે ગુજરાતની કુલ વસ્તીના ચાર કરોડ જેટલો થવા જાય છે. રાજ્યની સરકાર ગરીબી અને કુપોષણને દૂર કરવાને બદલે માત્ર વડાપ્રધાનને ખુશ રાખવા માટે બજેટ ભાષણ કરી રહી છે. બજેટમાં 22,000 કરોડ રૂપિયા માર્ગ માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ એક પણ નવો માર્ગ બનાવવામાં આવશે તેની જાહેરાત બજેટમાં થઈ નથી. આજે રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વર્ગખંડો વગર પ્રાથમિક શિક્ષણ બાળકો ઓરડા અને શિક્ષકો વગર કઈ રીતે મેળવી શકાય તેને લઈને પણ બજેટમાં એક પણ પ્રકારની જાહેરાત થઈ નથી. જગતના તાત માટે આ વર્ષે રજૂ થયેલું બજેટ એકદમ નિરાશાવાદી છે. ખેડૂતોને બજેટમાં ઇરાદાપૂર્વક અવગણવામાં આવ્યા છે. કોઈ પણ નાણાકીય અંદાજપત્ર રાજ્ય અને રાજ્યના લોકોની આર્થિક સુખાકારી અને રોજગારી માટે જાહેર કરાતું હોય છે પરંતુ આજે રજુ થયેલું બજેટ રાજ્યમાં એકમાત્ર બેરોજગારીને પ્રોત્સાહન આપે તે પ્રકારનુ જોવા મળે છે... વીરજી ઠુંમર ( સહકારી આગેવાન અને પૂર્વ સાંસદ)
બજેટની અમલવારીને લઈને શંકા : પાછલા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. કનુભાઈ દેસાઈ પૂર્વેના નાણાંપ્રધાનોએ અનેક બજેટો રજૂ કર્યા છે. તે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ આજે ક્યાં છે તેની અમલવારી કેટલી કરવામાં આવી છે અને આજના બજેટની અમલવારી ક્યારે અને કેટલી કરવામાં આવશે તેને લઈને પણ વીરજી ઠુંમરે સરકાર પર સવાલો ઊભા કર્યા હતાં. આજના બજેટથી સુશિક્ષિત અને સમૃદ્ધ ગુજરાત નકારાત્મકતાની ઊંડી ખાઈમાં ધકેલાઈ જશે જેની પાછળ એકમાત્ર ભાજપની સરકાર કારણભૂત માનવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.