જૂનાગઢઃ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 6 જેટલા બાળકોના વાયરસે ભોગ લીધો છે. ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાયો અંગે કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા વિગતો આપવામાં આવી છે.
ઈતડી અને માખીના ઉપદ્રવને કાબૂ જરુરીઃ ચાંદીપુરમ વાયરસની અસરથી બાળકોનું મસ્તિષ્ક કામ કરતું બંધ થઈ જાય છે. તેને કારણે બાળકનું મોત થાય છે ત્યારે સંભવિત ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાયો અંગે કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા વિગતો આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન માથું ઉચકતા ચાંદીપુરમ વાયરસના કંટ્રોલ માટે ઈતડી અને માખીના ઉપદ્રવ પર કંટ્રોલ કરવામાં આવે તો ચાદીપુરમ વાયરસ ફેલાતો અટકાવી શકાય છે.
6 જેટલા બાળદર્દીના મોતઃ હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ચાંદીપુરમ વાયરસનો હાહાકાર જોવા મળે છે. વાયરસને કારણે 6 કરતાં વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. ચાંદીપુરમ વાયરસને ફેલાતો અટકાવવા માટે કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપક ડો.જે. બી. કથીરિયા એ ઉપાયો સૂચવ્યા છે તે મુજબ ચાંદીપુરમ વાયરસ પર કંટ્રોલ કરી શકાય છે. ચોમાસા દરમિયાન માખી અને વાયરસની સૌથી મોટી વાહક ઈતડીને કંટ્રોલ કરવામાં આવે તો ચાંદીપુરમ વાયરસ કે જે બાળકો ના મગજના તાવ તરીકે ખૂબ જ કુખ્યાત છે તેના પર કંટ્રોલ કરી શકાય છે.
ગામડામાં આ રોગની શક્યતા વધુઃ ચાંદીપુરમ વાયરસ માટે ખાસ પ્રકારની ઈતડી ને જવાબદાર માનવામાં આવે છે. જે મોટેભાગે કાચા મકાનો કે જેમાં ગાય કે ભેંસના ગોબરનું લીપણ કરવામાં આવ્યું હોય તેની તિરાડોમાં રહીને ત્યાં ઈંડા મૂકીને નવી ઈતડીને જન્મ આપે છે. ઈતડીમાં આ પ્રકારનો વાયરસ જન્મજાત હોય છે. ચોમાસા દરમિયાન ગામડામાં અને મોટાભાગના વિસ્તારોમાં માખીનો કુદરતી રીતે ઉપદ્રવ ખૂબ વધી જાય છે. પરિણામે ઈતડી અને માખી આ બંને જંતુઓ ચાંદીપુરમ વાયરસના વાહક તરીકે ખૂબ જ ખતરનાક છે. ચોમાસાના સમય દરમિયાન ઈતડી ને રહેવાની જગ્યા અને માખીનો ઉપદ્રવ દૂર કરી દેવામાં આવે તો ચાંદીપુરમ વાઈરસથી બચી શકાય છે.
ચાંદીપુરમ અને કોંગો ફીવરના લક્ષણો સમાનઃ ગુજરાતમાં વર્ષ 2014માં ચાંદીપુરમ વાયરસનો તરખાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત 2024માં વાયરસે માથું ઊંચક્યું છે. ચાદીપુરમ વાયરસની જેમ જ મગજના તાવ તરીકે કુખ્યાત એવા કોંગો ફીવર પણ ઈતડી દ્વારા ફેલાવવામાં આવતા વાયરસથી થતો રોગ છે. ચાંદીપુરમ વાયરસ અને કોંગો ફીવરના લક્ષણો બિલકુલ સમાન જોવા મળે છે. કોઈ પણ દર્દીને તાવ, ઝાડા-ઉલટી, શરીરના કોઈ ભાગ માંથી લોહીનું સતત વહેવું આ સામાન્ય લક્ષણો ચાંદીપુરમ વાયરસ અને કોંગો ફીવરમાં જોવા મળે છે. મોટે ભાગે આ રોગ કોઈપણ વ્યક્તિ માટે પ્રાણ ઘાતક બનતા હોય છે. ચાંદીપુરમ વાયરસ બાળકોના મગજને સૌથી પહેલું નિશાન બનાવે છે. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે વાયરસની સીધી અસર મગજ પર થાય છે જેને કારણે નાના બાળકોનો ભોગ આ વાયરસ લેતો હોય છે.