જૂનાગઢ: જૂનાગઢના નવાબી શાસન કાળનો ઇતિહાસ જુનાગઢ મ્યુઝિયમમાં આજે પણ નવાબી શાસન વ્યવસ્થાને જીવંત રાખે છે. નવાબના સમયમાં જે જગ્યા પર દરબાર ભરાતો હતો, તે જગ્યા આજે પણ દરબાર હોલના રૂપમાં જુનાગઢ મ્યુઝિયમમાં આબેહૂબ જોવા મળે છે.
![જૂનાગઢ મ્યુઝિયમમાં નવાબી શાસનકાળની ઝાંખી કરાવતો દરબાર હોલ આકર્ષણનું કેન્દ્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-05-2024/gj-jnd-03-darbarholl-vis-01-byte-01-pkg-7200745_18052024140429_1805f_1716021269_504.jpg)
નવાબી શાસન વ્યવસ્થાનો દરબાર હોલ: જૂનાગઢના નવાબી શાસનનો દરબાર હોલ આજે પણ જુનાગઢ મ્યુઝિયમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. 19માં દાસકની કોતરણી કળા ધરાવતો દરબાર હોલ આજે પ્રત્યેક પ્રવાસીને જુનાગઢ મ્યુઝિયમ તરફ ખેંચી લાવે છે. લાકડાની ખુરશીઓ પર ચાંદીના પતરા મઢીને અલયાદી રીતે નવાબનો દરબાર હોલ બનાવવામાં આવ્યો હતો. દરબાર હોલમાં પાથરવામાં આવેલા ગાલીચા જુનાગઢ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે દરબાર હોલ આજે 123 વર્ષ બાદ પણ જૂનાગઢના નવાબી શાસનની યાદો દરબાર હોલના રૂપમાં આજે પણ સાચવી રાખી છે.
![દરબાર હોલમાં પાથરવામાં આવેલા ગાલીચા જુનાગઢ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-05-2024/gj-jnd-03-darbarholl-vis-01-byte-01-pkg-7200745_18052024140429_1805f_1716021269_584.jpg)
નવાબના અસલ દરબારની પ્રતીતિ: જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જે જગ્યા પર અંતિમ નવાબ દરબાર ભરીને બેસતા હતા, બિલકુલ તે જ વ્યવસ્થા આજે પણ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. હોલમાં લાકડાની ખુરશી પર ચાંદીથી મઢેલી ફુલવેલની ભાતવાળો સિંહાસન આજે પણ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે. જે સમયે નવાબ દરબાર ભરીને બેસતા હતા તે સમયના નવાબનું મુખ્ય સિંહાસન આજે પણ 100 વર્ષ પહેલાના નવાબી શાસનની યાદ અપાવે છે. તે સમયે નવાબના દરબારમાં નવાબની સાથે વજીર, દીવાન અને બહારથી આવેલા ખાસ મહેમાનો માટે ચાંદીથી મઢેલી ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવતી હતી. નવાબના દરબારમાં માંગરોળ રાજ્યના રાજીવીઓને પણ સ્થાન આપવામાં આવતું હતું. જેને કારણે જૂનાગઢના નવાબે માંગરોળનું સિંહાસન પણ જૂનાગઢના દરબાર હોલમાં રખાવ્યુ હતુ. જે આજે અનેક સદીઓ બાદ પણ નવાબી શાસનની યાદ અપાવે છે. સૌરાષ્ટ્રના 222 દેશી રાજ્ય પૈકી જુનાગઢ સૌથી મોટું રાજ્ય હતું, તેથી જૂનાગઢનો દરબાર હોલ તે સમયે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હતો.