જૂનાગઢ : 31 જુલાઈ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડનો અંતિમ દિવસ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 100 જેટલા દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવા ઉજળા સંજોગો હાલમાં સર્જાયા હતા.
મેયર પદ માટે મહત્વની જાહેરાત : જૂનાગઢ સહિત રાજ્યના અન્ય આઠ કોર્પોરેશન માટે મેયરના પદની જાહેરાત કરાઈ હતી. જેમાં જૂનાગઢ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ સામાન્ય વર્ગ માટે અનામત અને ત્યારબાદ અઢી વર્ષની મુદત પછાત વર્ગની મહિલા માટે અનામત રાખવામાં આવી છે, તેવું નોટિફિકેશન બહાર પડાયું છે. જેને લઈને હવે આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે તેવી શક્યતા બળવત્તર બની છે.
આ વચ્ચે ETV Bharat ટીમે જૂનાગઢના સામાન્ય મતદારોને અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
- જૂનાગઢ મનપા વિસ્તારના મતદાતા હર્ષદભાઈ મંકોડીએ અલીબાબા અને ચાલીસ ચોરની કહેવતને ટાંકીને ચૂંટણી થવી જોઈએ કે નહીં તેના પર માર્મિક ટકોર કરી હતી. હર્ષદભાઈ માને છે કે એકલદોકલ કોર્પોરેટરને બાદ કરતા કોઈપણ કોર્પોરેટર સક્રિય નથી. આવી પરિસ્થિતિમાં કામ કરતા કોર્પોરેટર આવે તો જૂનાગઢનો વિકાસ થઈ શકે બાકી અત્યારે અધિકારી રાજમાં લોકોના કામ થઈ રહ્યા છે.
- બીજી તરફ પૂર્વ પ્રિન્સિપાલ સુશીલાબેન શાહ માને છે કે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવી જોઈએ. મતદારો લોક પ્રતિનિધિ વગર પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે કોર્પોરેશન સુધી જવું પડે છે. લોકપ્રતિનિધિ હોય તો વિસ્તારમાં આવી અને લોકોની સમસ્યા જાણી શકે. પછી તેનો ઉકેલ આવે કે ન આવે પરંતુ લોકોની સમસ્યા જે તે વોર્ડમાં સાંભળી શકે તેવા લોક પ્રતિનિધિ હોય તો કામ થોડું સરળ બને.
- એક મહિલા અગ્રણી અનિલાબેન બથીયાએ કોર્પોરેશનની ચૂંટણી થવી જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. અનિલાબેને કહ્યું, જૂનાગઢમાં નગરસેવકો હતા અને હવે છેલ્લા 100 દિવસ કરતાં વધુ સમયથી એક પણ નગરસેવક નથી, આ બે પરિસ્થિતિ વચ્ચે કોઈ વધુ ફરક પડ્યો નથી. પહેલા જે રીતે કામ થતું તે જ રીતે કામ થાય છે. તો પછી પ્રજાને લોક પ્રતિનિધિ વગર રાખવાનું કારણ તાર્કિક લાગતું નથી.
- જૂનાગઢના અન્ય એક અગ્રણી અને મતદાર રસિકભાઈ પોપટે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પાછલા બોર્ડથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોના કામ થયા નથી, ત્યારે નવા પ્રતિનિધિ ચૂંટાઈ આવે અને લોકોના કામ થાય તે જરુરી છે. સારા લોક પ્રતિનિધિ ચૂંટવાની તક જૂનાગઢના મતદારોને મળે તે માટે ત્વરિત જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી થવી જોઈએ.