જુનાગઢ: 18મી તારીખે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોનું શાસન આવશે તે નક્કી થશે તે પૂર્વે 16મી તારીખે આયોજિત થનારા મતદાનને લઈને આજે કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોની પસંદગી કરવા માટેની એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ ચૂંટણી લડવા માંગતા સંભવિત ઉમેદવારોને સાંભળ્યા હતા. પુંજાભાઈ વંશ અને વિરજી ઠુમરે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનથી લઈને ભાજપ લોકશાહી ઢબે ચૂંટણી લડે તે વાત પર પ્રતિભાવ આપ્યો હતો.
કોંગ્રેસે મુરતિયાની પસંદગી માટે બેઠક
આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન હાથ ધરાશે. 18મી ફેબ્રુઆરીએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા પક્ષની સત્તા આવશે, તે નક્કી થશે. પરંતુ મતદાન અને પરિણામ પહેલા ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા આજથી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિરીક્ષક તરીકે નીમાયેલા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર અને રહીમભાઈ સોરાને વિશેષ જવાબદારી સોંપી હતી. આજે આ ત્રણેય આગેવાનો દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 15 વોર્ડમાં ચૂંટણી લડવા માંગતા સંભવિત ઉમેદવારોને બંધ બારણે સાંભળીને આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થાય તે માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
ગઠબંધનને લઈને આપ્યું નિવેદન
પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા નિરીક્ષકો પૈકી પૂજાભાઈ વંશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ગઠબંધનને લઈને નિવેદન આપ્યું છે, જણાવ્યું હતું કે, ગઠબંધન કરવું તે પ્રદેશના નેતાઓ નક્કી કરશે. જે રીતે પ્રદેશ કક્ષાએથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય થશે, તેવી સ્થિતિમાં કોંગ્રેસ ગઠબંધન ધર્મ નિભાવીને ચૂંટણી લડી શકે છે.
પરંતુ હાલ આ નિર્ણય પર કોઈ પણ પ્રકારનું અંતિમ નિર્ણય થયો નથી. તો બીજી તરફ વિરજી ઠુમરે ભાજપને નૈતિકતાના ધોરણે ચૂંટણી લડવાની પડકાર ફેંક્યો છે. જે રીતે ભાજપ છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં વિપક્ષના ઉમેદવારોને ખેડવીને ચૂંટણી જીતવાની રણનીતિ અપનાવી રહી છે, તેને અયોગ્ય ગણાવીને લોકશાહી ઢબે ચૂંટણી ભાજપ લડે તેવો પડકાર પણ ફેંક્યો છે.