જૂનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના ખાસ નિરીક્ષક તરીકે પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની નિરીક્ષક અને પ્રભારી તરીકે નિમણૂક કરતા આજે પ્રદેશના હોદ્દેદારોએ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ આગામી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને કાર્યકરોના પ્રતિભાવો પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ કોંગ્રેસની બેઠક યોજાઇ: આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ શકે છે. તેને લઈને હવે કોંગ્રેસમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ખાસ નિરીક્ષક અને પ્રભારી તરીકે અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ખાસ નિમણૂક કરી હતી.
આ બંને હોદ્દેદારો આજે જુનાગઢ પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસના સભાખંડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળીને આગામી જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી કઈ રીતે જીતી શકાય તે માટે કાર્યકરો સાથે બેસીને વિચારોનું આદાન અને પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગત ચૂંટણીના અનુભવોને ધ્યાનમાં રખાશે: જુનાગઢ આવેલા પૂર્વ સાંસદ અને પ્રભારી વિરજી ઠુમ્મરે જૂનાગઢ મનપાની ચૂંટણી લડવાને લઈને કાર્યકર્તાઓના પ્રતિભાવો પ્રાપ્ત કર્યા હતા. પાછલી ચૂંટણીમાં જે પ્રકારે કોંગ્રેસ પાર્ટીને કામો પરાજય સહન કરવો પડ્યો હતો. તે આ વખતની સામાન્ય ચૂંટણીમાં ન થાય તે માટે પ્રત્યેક કાર્યકર પોતાની ઈચ્છા મુજબનો ઉમેદવાર તેમની વોર્ડમાં આવે તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ઉપરાંત, આ અંગેની તમામ વિગતો એકત્ર કરવા માટે પ્રદેશ કોંગ્રેસે તેમને જૂનાગઢ મોકલ્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ અનેક બેઠકો યોજાશે. ત્યારબાદ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી લડવાની અંતિમ રણનીતી પણ નક્કી કરવામાં આવશે.
બીજી તરફ નિરીક્ષક પુંજાભાઈ વંશે પણ પાછલી જુનાગઢ મનપાની ચૂંટણીમાં જે ખરાબ અનુભવ પાર્ટીને થયા છે. તેમાં આ વખતે ચૂક ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા કેટલીક બેઠકો ભાજપને બિનહરીફ મળી હતી. આવી ઘટના આ વખતની ચૂંટણીમાં ન બને તે માટે પણ પાર્ટી ગંભીરતાથી કામ કરશે.
વધુમાં આમ આદમી પાર્ટી સાથે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ગઠબંધન કરવું કે નહીં તેને લઈને પક્ષનું મોવડી મંડળ જે નિર્ણય કરે ત્યારબાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવાને લઈને અને ખાસ કરીને બેઠકોની ફાળવણીને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો: