જૂનાગઢઃ ભવનાથમાં પંચ દશનામ અખાડાઓ દ્વારા મહાદેવના લગ્ન સ્વરૂપે શાહી રવેડી અને નાગા સન્યાસીઓનું સરઘસ કાઢવામાં આવે છે. જેમાં તમામ 10 અખાડાઓના સન્યાસીઓ સામેલ થતા હોય છે. વર્ષ 2018થી પ્રથમ વખત ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રીના મેળા અને રવેડીમાં કિન્નર અખાડાને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2018થી સમગ્ર દેશના કિન્નર સમાજના મહામંડલેશ્વર ભવનાથની તળેટીમાં 4 દિવસ સુધી અલખને ઓટલે આરાધના કરતા જોવા મળતા હોય છે.
અર્ધ નર-નારેશ્વરનું સ્વરૂપઃ મહામંડલેશ્વર ઉજ્જૈનપીઠના પવિત્રાનંદગીરીએ Etv Bharatને કિન્નર અખાડાનું મહત્વ સમજાવ્યું હતું. કિન્નરને શિવ અને શક્તિનું રૂપ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે નીકળતી મહાદેવની રવેડીમાં ગદર્ભ કિન્નર અને નંદી, પશુ, પક્ષી અને ભવનાથનું કણેકણ મહાદેવના વિવાહની જાનમાં જાનૈયા બને છે. પૌરાણિક કથા મુજબ ભવનાથમાં શિવ અને શક્તિનો સંગમ શિવરાત્રીના દિવસો દરમિયાન જોવા મળે છે. કિન્નરોને ઉપદેવતા તરીકે પણ માનવામાં આવ્યા છે. શિવના અર્ધ નારેશ્વર રૂપ પણ દેવી-દેવતાઓ સમાન પૂજનીય માનવામાં આવે છે. કિન્નર વિના કોઈ પણ પૂજા અધૂરી રહે છે. કુંભનું મહા સ્નાન પણ કિન્નરોની હાજરીમાં થતું હોય છે. આ પ્રકારનું કિન્નરોનું મહત્વ તમામ ધર્મમાં જોવા મળે છે.
કળયુગમાં કિન્નરનું રાજ સ્થપાશે તેવા આશીર્વાદઃ વનવાસ દરમ્યાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે અર્ધ નારેશ્વર સ્વરૂપ કિન્નરોને આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, કળયુગમાં તમારું રાજ સ્થાપિત થશે. તમે જેના મસ્તક પર હાથ મૂકશો તેની તમામ મનોકામના પૂર્ણ થવાની સાથે તેનું કલ્યાણ થશે. કિન્નરોને કોઈ જાત, પાત, ધર્મ હોતા નથી. તમામ ધર્મના ગ્રંથોમાં પણ કિન્નરોનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. કિન્નરો જન્મથી જ સન્યાસી, કોઈ નાગા તો, કોઈ વૈરાગી તરીકે સમગ્ર જીવન વ્યતીત કરે છે. પવિત્રાનંદગીરીએ Etv Bharatને જણાવ્યું હતું કે, તેઓ મહાદેવ પાસે પ્રાર્થના કરે છે કે તેમનો પ્રત્યેક જન્મ કિન્નરોના રૂપમાં થાય જેથી તેઓ ધર્મની આરાધના કરી શકે.