જુનાગઢ : આવતી કાલે 7મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાઇ રહી છે. ત્યારે મતદાનની પ્રક્રિયા પણ પ્લાસ્ટિક પ્રદુષણમુક્ત બને તે માટે ચૂંટણી પંચે ખાસ આયોજન કર્યું છે. જુનાગઢ અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્ર ઈકોઝોન ક્ષેત્રમાં આવે છે, ત્યારે ઇકોઝોન ક્ષેત્રના પ્રત્યેક મતદાન મથકમાં ઇકો ફ્રેન્ડલી મતદાન થાય તે માટે ખાસ આયોજન કરાયું છે.
ઇકો ફ્રેન્ડલી મતદાન માટે તૈયારી : આવતી કાલે જુનાગઢ લોકસભા સંસદીય મત વિસ્તારમાં મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક નીચે આવતા જુનાગઢ વિસાવદર અને તાલાલા વિધાનસભા મતક્ષેત્રમાં ખાસ ઇકો ફ્રેન્ડલી ચૂંટણી મતદાન સામગ્રીનો ઉપયોગ કરવાને લઈને ચૂંટણી પંચ દ્વારા પહેલ કરવામાં આવી છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક સદંતર પ્રતિબંધિત : જુનાગઢ વિસાવદર અને તાલાળા વિધાનસભા મતવિસ્તારનો ઇકોઝોનમાં શામેલ કરવામાં આવ્યો છે. જેને લઈને આ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સદંતર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ લોકસભા નીચે આવતી ત્રણેય વિધાનસભા બેઠક પર મતદાન સામગ્રીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યાર સુધી થતો આવતો હતો, જેમાં પરિવર્તન લાવીને બાયો ડીગ્રેડેબલ ચૂંટણી સામગ્રીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

પ્રથમ વખત ચૂંટણી પંચનું આયોજન : જુનાગઢ સંસદીય લોકસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિસ્તારમાં આવતા મતદાન મથકમાં બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાશે. મતદાન અને ચૂંટણી સામગ્રી અત્યાર સુધી પ્લાસ્ટિકના પેકિંગમાં આવતી હતી, જે જે તે મતદાન મથક સુધી પહોંચતી કરાતી હતી. પરંતુ આ વખતે પ્રથમ વખત ચૂંટણીની સામગ્રી કે જેમાં અનિવાર્યપણે પ્લાસ્ટિકનું પેકિંગ કરવું પડે છે તેવી તમામ સામગ્રીને બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિકમાં પેક કરીને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારનો નિર્ણય જુનાગઢ સંસદી મત વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત અમલમાં આવી ચૂક્યો છે. બની શકે આવનારી ચૂંટણીઓમાં તમામ મતદાન મથકોમાં આ જ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યા પર બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને સમગ્ર મતદાન પ્રક્રિયાને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બનાવવાની દિશામાં ચૂંટણી પંચ પહેલ કરી શકે છે.