જૂનાગઢ: કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ તેમના સ્થાપના કાળથી મગફળીમાં 500 ગ્રામની કડ (ઘટ)લેવાની જે પદ્ધતિ હતી તે આજથી બંધ કરીને વજનમાં થયેલી તમામ મગફળીના પૂરતા પૈસા ખેડૂતોને મળે તેવી નવી પ્રથા શરૂ કરી છે. અત્યાર સુધી પ્રતિ 20 કિલો મગફળીએ 500 ગ્રામ કડ (ઘટ) લેવામાં આવતી હતી. જેની પાછળ મગફળીમાં કચરો માટી અને મગફળીના ભુસાને કારણે આ નિયમ લાગુ કરાયો હતો. પરંતુ ખેડૂતોના વ્યાપક હિતમાં માર્કેટિંગ યાર્ડએ 500 ગ્રામ વજનની કડ આજથી દૂર કરી છે જેને ખેડૂતો અને વેપારીઓ પણ આવકારી રહ્યા છે.
કોડીનાર એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણય: કોડીનાર એપીએમસી તેમની સ્થાપના લઈને આજ દિન સુધી મગફળીમાં પ્રતિ 20 કિલોએ વજનમાં 500 ગ્રામની કડ લેવામાં આવતી હતી જેને આજથી દૂર કરવામાં આવી છે. એપીએમસીના સચિવ પિયુષ બારડએ વિગતો આપતા જણાવ્યું હતું કે, '70 ટકા ખેડૂતો કોડીનાર એપીએમસીમાં ચોખ્ખો માલ લઈને આવે છે જેની સામે 30 ટકા ખેડૂતો મેલો એટલે કે કચરાવાળી મગફળી લઈને આવે છે. પરિણામે 500 ગ્રામ કડ લેવાની વ્યવસ્થા શરૂ કરી હતી, પરંતુ આજથી ખેડૂતોના વ્યાપક હિતમાં એપીએમસીએ 500 ગ્રામ વજનની કડ (ઘટ) દૂર કરવાનો નિર્ણય કર્યો છે.'
ત્રણ તાલુકા કોડીનાર આવે છે કૃષિ પાકોના વેચાણ માટે: કોડીનારની સાથે ઉના અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતો પણ તેમની કૃષિ પેદાશોના વેચાણ માટે કોડીનાર એપીએમસીમાં આવે છે. જે પૈકીના 30 ટકા ખેડૂતો કચરાવાળી મગફળી લઈને વેચાણે મૂકતા હોય છે જેને પરિણામે 70% ખેડૂતો કે જે સાફ મગફળી લઈને વેચાણ માટે યાર્ડમાં આવતા હોય છે તેને નુકસાન થતું હતું. જેમાં આજથી પરિવર્તિત કરીને તમામ ખેડૂતોની સાફ મગફળી કોઈ પણ પ્રકારની કડ એટલે કે ઘટ લીધા વિના વેચવાનો નિર્ણય કરવામાં આવતો આવ્યો છે. અગાઉ એક ખાંડીએ 6 kg જેટલી મગફળી ખેડૂતોને કડ એટલે કે વજનના ઘટવાના સ્વરૂપમાં આપવી પડતી હતી જે આજથી સંપૂર્ણપણે બંધ થવા જઈ રહી છે.
વેપારી અને એપીએમસીની ખેડૂતોને વિનંતી: કોડીનાર એપીએમસીના પદાધિકારીઓ અને વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં આજથી મગફળીમાં કડ લેવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. જેથી કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે આવતા પ્રત્યેક ખેડૂતો તેમની મગફળી ચોખ્ખી અને કોઈ પણ પ્રકારની બહારની મિલાવટ વગર વેચાણમાં મૂકે તે માટે વિનંતી પણ કરાઇ છે. જો કોઈ પણ ખેડૂત એપીએમસીના નિયમનો પાલન નહીં કરે તો તેની મગફળીમાં બહારથી મગફળીનો અન્ય કચરો કે માટી ભેળવીને વેચાણ માટે મુકશે તેવા ખેડૂતોની કોઈપણ કૃષિ જણસોની હરાજી કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: