જૂનાગઢ : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા જૂનાગઢની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો વ્યાપ અને વિસ્તાર તેમજ તેમના કાર્યક્રમ વિસ્તૃત બને તે માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જૂનાગઢની મુલાકાતે ડો. પ્રવીણ તોગડિયા : આ બેઠકમાં અમરેલીના ડોક્ટર ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની તેમની આ મુલાકાત દરમિયાન ડો. પ્રવીણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ સાથે વન ટુ વન અને બંધ બારણે બેઠક પણ કરી હતી, જે પક્ષની આગામી રણનીતિ માનવામાં આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન : હાલ સમગ્ર દેશમાં પ્રસાદને લઈને એક નવો વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ડો. સુરેન્દ્ર જૈને આ પ્રસાદ વિવાદ મામલે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ માને છે કે ધર્મસ્થાનોનું સરકારીકરણ નહીં, પરંતુ સામાજીકરણ થવું જોઈએ.
VHP ના નિવેદનને આપ્યું સમર્થન : વિશ્વ હિન્દુ પરિષદના આ સ્ટેન્ડને લઈને ETV Bharat દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાને સવાલ કરતા વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થાનોના સરકારીકરણની જગ્યાએ સામાજીકરણ કરવું જોઈએ તે વાતને પ્રવિણ તોગડિયાએ પણ સમર્થન આપ્યું હતું.