જૂનાગઢઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રખર જનસંઘી એવા હેમાબેન આચાર્યએ ભાજપની વર્તમાન સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી પર વેધક સવાલ કર્યા છે. તેમણે ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાનું અને સરકારનો સંપૂર્ણ કાબુ અધિકારીઓના હાથમાં છે તેવું જણાવ્યું હતું.
ધૂમ ભ્રષ્ટાચારઃ પૂર્વ આરોગ્ય પ્રધાન અને જનસંઘના સંસ્થાપક સદસ્ય અને ભાજપના વયોવૃદ્ધ સીનિયર મહિલા નેતા હેમાબેન આચાર્યએ કેન્દ્ર અને રાજ્યની સરકારને આજે આડે હાથ લીધી હતી. પાછલા વર્ષો દરમિયાન જે રીતે સરકારી કામોમાં ભ્રષ્ટાચારને લઈને જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને તેઓ ખૂબ જ રોષે ભરાયા હતા. હેમાબેન આચાર્યએ કેન્દ્ર અને રાજ્યની સરકારની ખૂબ જ આકરી ટીકા કરી હતી. પાછલા એક દસકા દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જે રીતે ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો તેના પાછળનું કારણ તેમણે જણાવતા કહ્યું કે, અધિકારીઓ સરકારો ચલાવી રહ્યા હોવાને કારણે પણ આ સમસ્યાનું સર્જન થયું છે. સરકારમાં બેઠેલા રાજનેતાઓની પકડ અધિકારીઓ પર જોવા મળતી નથી જેને કારણે ભ્રષ્ટાચારને વેગ મળી રહ્યો છે.
મહિલા સુરક્ષા નિષ્ફળઃ હેમાબેન આચાર્યએ મહિલા સુરક્ષા સંદર્ભે પણ ગુજરાત સરકારને ઝાટકી હતી. રોજ મહિલાઓ પર અત્યાચાર બાળકીઓની ભ્રુણ હત્યાના સમાચારો આવે છે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં ભાજપના કોઈપણ પદાધિકારી કે નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. આ બાબત ખૂબ જ ચિંતાજનક છે. હેમાબેન આચાર્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાછલી સરકારોની ભૂલ ગણવાની જગ્યા પર પોતાની ઉપલબ્ધિઓ ગણાવે તેને જરુરી ગણાવ્યું હતું. પાછલા વર્ષો દરમિયાન ઉચ્ચ હોદા પર બેઠેલા અધિકારીઓના લાંચ લેવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. ગેરકાયદેસર અને બોગસ ઓફિસ, ટોલનાકુ આ બધી વ્યવસ્થાઓ આ સરકારમાં સામે આવી છે. આટલા પ્રમાણમાં સરકારી અનિશ્ચિતતા માત્રને માત્ર 'અધિકારી રાજ'ને કારણે હોવાનું હેમાબેન આચાર્યએ જણાવ્યું હતું.