જૂનાગઢ: ભાદરવામાં ધોધમાર વરસાદનો પહેલો રાઉન્ડ જોવા મળ્યો હતો આજે બપોરે 4 થી 5:00 વાગ્યાના સમય દરમિયાન વરસાદ તૂટી પડ્યો હતો. જુનાગઢ શહેરના મોટાભાગના માર્ગમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા હતા.
ભારે તીવ્રતાથી પડેલા વરસાદને કારણે જુનાગઢ શહેરના આઝાદ ચોક,કાળવા ચોક, ચીત્તાખના ચોક, ગાંધી ચોક બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત મોટા ભાગના વિસ્તારોના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યુ હતું. ધોધમાર વરસાદને કારણે એકાદી કલાકમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળતા હતા.
વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ: જુનાગઢ શહેરમાં આજે દિવસ દરમિયાન ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. તો બીજી તરફ છેલ્લાં 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધારે પાંચ ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે માળિયામાં પણ બેથી ત્રણ ઇંચ દિવસ દરમિયાન વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ભાદરવા મહિનામાં વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત કરી હતી. અત્યારે નવરાત્રી પૂર્વે હાથીયા નક્ષત્રમાં પડી રહેલો વરસાદ ખેડૂતો અને ખેલૈયાઓ માટે આગામી દિવસોમાં ચિંતાનું કારણ પણ બની શકે છે.