જૂનાગઢ: ગિરનાર પર્વત પર છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી નાના ધંધાર્થીઓ પર્વતની સીડી પરથી પસાર થતાં પ્રવાસીઓ વચ્ચે વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું જીવન નિર્વાહન કરતા હતા. ત્યારે તાજેતરમાં જ ગિરનારમાં નખાયેલી અંડરગ્રાઉન્ડ વીજ લાઈનને મુદ્દે હવે મીટર આપવાની માંગ કરીને 100 કરતાં વધુ દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ રાખીને વહીવટી તંત્રને તેમની સમસ્યા દૂર કરવાની રજૂઆત કરી છે.
ગિરનાર સીડી પરના વેપારીઓનો વિરોધ: ગિરનાર સીડી પર સ્થાનિક રોજગારી મેળવીને 100 કરતા વધુ નાના દુકાનદારો પોતાના પરિવારનું નિર્વહન કરી રહ્યા છે. ત્યારે ત્રીજી ઓક્ટોબરના દિવસે ગિરનાર પર્વત પર વીજ પ્રવાહની અંડરગ્રાઉન્ડ લાઈન નાખી દીધા બાદ સ્થાનિક નાના દુકાનદારોને વીજ વિભાગ દ્વારા વીજળીનું કોઈ કાયમી કનેક્શન નહીં આપતા નાના દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે આજે ગિરનાર પર્વતની સીડી પર નાની દુકાનો ધરાવતા સો કરતા વધુ નાના-મોટા વેપારીઓએ વીજ મીટર આપવાની માંગ સાથે તેમના તમામ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વહીવટી તંત્ર સમક્ષ કરી માંગ: સ્થાનિક નાના ધંધાર્થીઓ દ્વારા વન વિભાગ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર તેમને નવી નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ વીજ લાઈનમાંથી નવા વીજ કનેક્શન મીટર સાથે આપવાની માંગ કરી છે. જે માટે આજે લેખિતમાં તેમની માંગણીઓ સરકારના ત્રણેય વિભાગોને આપી દેવામાં આવી છે.
તમામ શક્યતાઓ વીજ મીટર મળવાથી શક્ય પર નિર્ભર: તમને જણાવી દઈએ કે, વીજ મીટર મળવાથી નાના ધંધાર્થીઓ ગિરનાર સીડી પર ઠંડા પીણા, પાણી સહિત અન્ય એવી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે કે જેમાં વીજળી પ્રવાહ અથવા તો જે તે ખાદ્ય ચીજ વસ્તુઓને ઠંડી રાખવી અનિવાર્ય હોય. આવી પરિસ્થિતિમાં વીજ મીટર મળવાથી નાના ધંધાર્થીઓની રોજગારીમાં થોડો વધારો થશે અને સાથે સાથે જે પ્રવાસીઓ પગપાળા યાત્રા કરીને ગિરનાર જાય છે તેવા તમામ યાત્રિકોને ગિરનાર સીડી પર પીવાનું પાણી, કોલ્ડ્રિંક્સ આઈસ્ક્રીમ સહિત અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ સરળતાથી મળે રહેશે. ઉપરાંત વેપારીઓ તેમનું વેચાણ કરી શકે. પરંતુ આ તમામ શક્યતાઓ વીજ પ્રવાહ સાથે વીજ મીટર મળવાથી શક્ય પર નિર્ભર છે.
નાના વેપારીએ વ્યક્ત કર્યો પ્રતિભાવ: ગિરનાર સીડી પર પાછલા કેટલાક વર્ષોથી ખારી સિંગ, પીવાનું ઠંડુ પાણી, કોલ્ડ્રિંક્સ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા પ્રવીણભાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "જો અમને વીજ મીટર આપવામાં આવે તો હાલ અમારી ધંધાની શક્યતા છે તેમાં વિસ્તાર થઈ શકે છે. વધુમાં વીજ પ્રવાહ મળવાથી ઠંડા પીણા, ઠંડુ પાણી અને આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુઓ અમે સરળતાથી રાખી શકીએ છીએ. આ બાબત ગિરનાર પર આવતા પ્રવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને ઉનાળાના સમયમાં ખૂબ આશીર્વાદરૂપ બની શકે છે. જેથી અમે સરકારના ત્રણેય વિભાગ સમક્ષ અમને વીજ મીટર સાથેનું કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ."
આ પણ વાંચો: